July 2, 2024

જોડિયા પાસે યુવાન પર ખનિજ માફિયાઓનો હુમલો, ફોટા-વીડિયો ઉતારવા મામલે પાંચ શખ્સો તૂટી પડ્યા

સંજય વાઘેલા, જામનગરઃ પંથકમાં જોડિયા આજુબાજુના વિસ્તારો ખનીજચોરી માટે ખૂબ જ વિખ્યાત છે. તેવામાં ભાદ્રા ગામ નજીક આવેલી ઉંડ નદી વિસ્તારમાં આવેલા ફોટા તથા વીડિયોગ્રાફી કરવા બાબતનો ખાર રાખી યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો.

જોડિયા પંથકમાં આવેલા ભાદ્રા ગામના નજીક આવેલી ઉંડ નદી વિસ્તારમાં ફ્લાઇંગ સ્ક્વોડની દ્વારા કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ગોકળભાઇ વહાણભાઇ વરૂ નામનો એક યુવાન આ કામગીરીના ફોટા પાડી રહ્યો હતો અને વીડિયો શૂટીંગ કરી રહ્યો હતો. આ દરમિયાન પાંચ જેટલા શખ્સોએ યુવાન પર છરી તથા ધોકા વડે હુમલો કર્યો હતો.

આ હુમલા અંગે ગોકળભાઇએ પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, હુમલાખોર આરોપીઓ તરીકે ગોડિયાના યોગશે ગોઠી, બાદનપરનો જીગો ઘેટિયા, રમીલાબેન (લીઝ હોલ્ડર)નો પુત્ર, હિટામી મશીનવાળો યુવાન અને 30 વર્ષના એક અજાણ્યા યુવાને ગોકળભાઇએ પર છરી અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઢોર માર માર્યો હતો.

બીજી બાજુ પંથકમાં ખાનજી માફિયા બેફામ બન્યા હોવાની આસપાસના ગ્રામજનો પણ ફરિયાદ કરી રહ્યા છે. બેફામ ચાલતા ટ્રક દ્વારા પણ અકસ્માત સર્જાતો હોવનું સામે આવી રહ્યું છે. હુમલાખોરોએ ફરિયાદીના ત્રણ નંગ મોબાઇલમાં 3.60 લાખ રૂપિયાનું નુકસાન કર્યું હતું. આ બનાવ બાબતે જોડિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ પી.જી.પનારા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.