જામનગર મનપાના એન્જિનિયરની કારીગરી! વચ્ચે વીજપોલ હોવા છતાં રસ્તો બનાવી નાંખ્યો
સંજય વાઘેલા, જામનગરઃ શહેરમાં રસ્તો બનાવવા માટે મહાનગરપાલિકા પાસે કોઈ સારા એન્જિનિયર ન હોય તેની સાક્ષી પુરાવતો એક ઉત્કૃષ્ટ નમૂનો સામે આવ્યો છે. જામનગરમાં ધોરીવાવ વિસ્તારમાં સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ રસ્તો બનાવતી વખતે વચ્ચે વીજપોલ આવે છે, એ એન્જિનિયરના ધ્યાને ન આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ વીજપોલને કારણે ગંભીર અકસ્માત થાય તેવી શક્યતા રહેલી છે.
જામનગરની ભાગોળે આવેલા કર્મચારી નગરથી ધોરીવાવ સુધીનો રસ્તો હાલ જામનગર મહાનગરપાલિકા દ્વારા તૈયાર થઈ રહ્યો છે. સીસી રોડનું કામ લગભગ પૂર્ણતાના આરે છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે, આ રસ્તા વચ્ચે વીજપોલ ઊભા છે. એટલું જ નહીં, આ વીજપોલમાં વીજપ્રવાહ પણ સતત ચાલુ છે. રસ્તા વચ્ચે આવી રીતે વીજપોલ ક્યારેય ક્યાંય જોવા મળ્યા નથી. સ્થાનિકો દ્વારા આ બાબતને લઈને રોષ જોવા મળી રહ્યો છે.
કર્મચારી નગરથી ધોરીવાવ સુધીના આ સીસી રોડ પર અનેક રહેણાંક મકાનો બની રહ્યા છે. અહીં રોડનું કામ ચાલી રહ્યું છે, ઉપરથી તેના ઉપર વીજપોલ છે, તેના કારણે અહીં અકસ્માતનો ભય રહેલો છે. ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા જ્યારે આ કામ માટે જવાબદાર મહાનગરપાલિકાના તંત્રનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે જવાબ મળ્યો કે હજુ તો આ કામની શરૂઆત થઈ છે. અમારા દ્વારા પીજીવીસીએલનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, તેઓ ટૂંક સમયમા વીજ પોલ હટાવી લેશે.