Jamnagar : નવ કલાકની જહેમત બાદ બોરવેલમાં ફસાયેલા બાળકનું સફળ રેસ્ક્યુ
ગતરોજ જામનગરના ગોવાણા ગામમાં એક બાળક બોરવેલમાં પડી ગયું હતું. હાલ બાળકને નવ કલાકની ભારે મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યો છે. બાળક સલામત છે અને તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. ફાયર બ્રિગેડના સ્ટાફે સતત 9 કલાક સુધી બચાવ કામગીરી ચાલુ રાખી હતી અને બાળકને સલામત રીતે બોરવેલમાંથી બહાર કાઢી શકાયું હતું. હાલ બાળકને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બે વર્ષના રાજને સુરક્ષિત જોઈને તેના માતા-પિતાએ હવે રાહતનો શ્વાસ લીધો છે.
બાળકને હેમખેમ બહાર કઢાયું
માહિતી મુજબ, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં મંગળવારે સાંજે લગભગ 6.30 વાગ્યે એક બે વર્ષનો બાળક બોરવેલમાં પડી ગયો હતો. વહીવટીતંત્રને આ અંગેની માહિતી મળતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની બે ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રાજકોટથી એસડીઆરએફની ટીમને પણ બોલાવવામાં આવી હતી. બચાવ કામગીરી દરમિયાન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનું નિવેદન પણ સામે આવ્યું હતું. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કતન ચાવડાએ જણાવ્યું હતું કે, ગોવાણા ગામમાં એક બાળક બોરવેલમાં પડી ગયું છે. કેટલાક કલાકોથી બચાવ કામગીરી ચાલી રહી છે, તેને ટૂંક સમયમાં બહાર કાઢવામાં આવશે. તેમના નિવેદનના લગભગ પાંચ કલાક બાદ રેસ્ક્યુ ટીમને સફળતા મળી હતી અને બાળકને સુરક્ષિત બહાર લાવવામાં આવ્યો હતો.
બે વર્ષના બાળકનું નામ રાજ છે અને તેના માતા-પિતા મધ્યપ્રદેશના રહેવાસી છે. આ ઘટના જામનગર શહેરથી 40 કિલોમીટર દૂર આવેલા ગોવાણા ગામમાં બની હતી. માતા-પિતા 15 દિવસ પહેલા મજૂરી કામ કરવા જામનગર આવ્યા હતા. તેમને બે બાળકો છે અને રાજ નાનો પુત્ર છે.