મુરલી મનોહરના બર્થ ડે પર મથુરાના પેંડા ઘરે બનાવો, આ રહી મસ્ત રેસિપી
Milk Peda Janmashtami 2024: જન્માષ્ટમીનો પર્વ આવી ગયો છે. ભગવાન કૃષ્ણના ભક્ત અલગ અલગ પ્રકારનો ભોગ લગાવીને કાનાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે અમે તમારા માટે જન્માષ્ટમીના દિવસે મથુરાના પ્રખ્યાત ‘દૂધ પેડા’ ની રેસીપી લઈને આવ્યા છીએ.
મથુરાના સ્પેશિયલ દૂધ પેડા
મથુરાના સ્પેશિયલ દૂધ પેડા બનાવવા માટે સૌથી પહેલા તમારે એક કડાઈમાં લગભગ 5 કપ દૂધ લેવાનું રહેશે. દૂધને 8 મિનિટ સુધી ઉકાળવાનું રહેશે. દૂધને સતત હલાવતા રહેવું પડશે. થોડા સમય બાદ દૂધ બળવા લાગશે. દૂધ સારી રીતે ઉકળી જાય પછી તે ઘટ્ટ થવા લાગશે. હવે તેમાં તમારે ક્રીમ મિક્સ કરવાનું રહેશે. થોડા સમયમાં દૂધ મલાઈ જેવું થઈ જશે. ત્યારબાદ પણ તેને હલાવતા રહો. અંદાજે 50 મિનિટ પછી દૂધનું ઘટ્ટ મિક્સ થઈ જશે. હવે તમારે તેમાં ખાંડ ઉમેરવાની રહેશે. જો દૂધ અને ખાંડનું મિશ્રણ તવા પર ચોંટી જવા લાગે તો તમે એક ચમચી ઘીનો ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચો: રક્ષાબંધનમાં બનાવો કણીદાર કાઠિયાવાડી થાબડી પેંડા
માવો મિક્સ કરો
દૂધ-ખાંડની પેસ્ટમાં હવે તમારે એલચી પાવડર મિક્સ કરવાનો રહેશે. આ પછી તમારે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દેવાનું રહેશે. હવે તેમાં માવો ઉમેરો. આ મિશ્રણ બન્યા બાદ તેને પેડા આકારના બોલ્સ બનાવી દો. તમને પસંદ હોય એવો તમે આકાર આપી શકો છો. આ રીતે તમે આ જન્માષ્ટમીના દિવસે મથુરાના પ્રખ્યાત દૂધ પેડા બનાવી શકો છો અને કાનાજીને તમે મથુરાના પેડાનો ભોગ લગાવી શકો છો.