ઈડર-વડાલી હાઈવે પર 40થી વધુ મુસાફરો ભરેલી જીપ ટ્રકની પાછળ ઘૂસી ગઈ, 33 ઈજાગ્રસ્ત

ચિરાગ મેઘા, સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના ઈડર વડાલી હાઈવે રોડ પર સુરક્ષા સલામતીની વાતો વચ્ચે ટ્રક અને જીપ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાત્રિના સમયે 40 કરતા વધુ મુસાફરોને બેસાડી ઈડરથી ખેડબ્રહ્મા તરફ જઈ રહેલી જીપને ટ્રક સાથે અકસ્માત સર્જાતા જીપમાં સવાર 33થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. 33 કરતા વધુ ઇજાગ્રસ્તોમાંથી 11 જેટલા બાળકો હતા. જ્યારે ટ્રકની પાછળ જીપ ગાડી ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માતને લઈ મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્તોની વ્હારે આવી તેમણે સારવાર અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. 12થી 15 જેટલાં મુસાફરોના પાર્સિંગ સામે 40 કરતા વધુ મુસાફરોને જીપ ગાડીમાં સવારી કરતાં જોઈ કોઈપણ વ્યક્તિ આશ્ચર્યમાં મુકાઈ જાય જોકે સાચી અને હકીકતની ધટના સાબરકાંઠા જિલ્લામાં અવાર નવાર મોતની મુસાફરીમાં જોવા મળતી હોય છે. ગમખ્વાર અકસ્માતને લઈ સિવિલ હોસ્પિટલમાં બેડ ખૂટી પડતાં ઘાયલોને વેઇટિંગ માટેની બેઠકો પર સારવાર બાદ વધુ સારવાર અર્થે ઈડર તેમજ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા.
એક તરફ ગુજરાત રાજ્યમાં સુરક્ષાને સલામતીની વાતો કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સુરક્ષા સલામતીની વાતોને ધ્યાનમાં ન લેનારા વાહન ચાલકો થોડાક પૈસા વધુ કમાવી લેવાની લાયમાં અંતરિયાળ વિસ્તારના લોકોને મોતની સવારી કરાવતા હોય છે. વાત છે ઈડર વડાલી નેશનલ હાઇવે રોડ પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતની જ્યાં રાત્રિના સમયે ટ્રક ચાલક ટ્રકને રિવર્સ લગાવી રહ્યો હતો ત્યારે ઈડરથી ખેડબ્રહ્મા તરફ જતી મોતની સવારી ભરેલી જીપ ગાડી ટ્રકની પાછળ ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાત્રિના સમયે ટ્રક અને જીપ ગાડી વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 33 કરતા વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જેમાં 11 જેટલા બાળકોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. રોડ પર અકસ્માતને લઈ સ્થાનિકો સહિત રાહદારીઓ અકસ્માતમાં ધાયલ લોકોના બચાવ કામગીરમાં જોડાયા હતા. સાથેસાથે જેસીબી અને ક્રેનની મદદથી જીપમાં આગળની બાજુ ફસાયેલ મહિલાઓને બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં એક સાથે 33 કરતા વધુ લોકોને સારવારથી લેવાતા સિવિલ હોસ્પિટલમાં બેડની પણ અછત સર્જાતાં ઘાયલ દર્દીઓને વેઇટિંગ બેઠક પર તબીબો દ્વારા સારવાર કરવામાં આવી હતી.
એક તરફ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી હતી. ત્યારે કાયદાનો પાઠ ભણાવનાર પોલીસ તંત્ર સામે પણ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પોલીસ વિભાગ દ્વારા વાહન ચાલકોને વિવિધ નિયમોના ભંગ હેઠળ દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જોકે જિલ્લાના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતી મોતની સવારી સામે આજદિન સુધી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી ન કરાતા સ્થાનિક કક્ષાએ પોલીસ તંત્ર સામે વિરોધાભાસ સર્જાયો છે. રોડ પર ગમખ્વાર અકસ્માતમાં ઘાયલોને સારવાર અર્થે વડાલી સિવિલ બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જૉકે આસપાસનાં ઈડર, ખેડબ્રહ્મા, વિજયનગર તેમજ પોષિના તાલુકાની 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સોની પણ મદદ લેવાઈ હતી. સાથોસાથ સ્થાનિક લોકોએ પોતાની માનવતા દાખવી સરકારી એમ્બ્યુલન્સની રાહ જોયા વિના ખાનગી એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં. મોતની સવારી લઈને જતી જીપને ટ્રક સાથે થયેલા ગમખ્વાર અકસ્માતને લઈ જિલ્લા પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું. ડીવાયએસપી પીઆઇ સહિત મામલતદાર સિવિલ હોસ્પિટલ પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે સૌથી મહત્વની બાબત એ છે કે બટાકાની સીઝનમાં મજૂરી અર્થે આવેલા મજૂરો કામ પૂર્ણ કરીને પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં અડધો વચ્ચે સર્જાયેલા અકસ્માત દરમિયાન ખાનગી જીપમાં 40 જેટલા મુસાફરો સવાર હોવાની વાત કરતો યુવક પણ સદનસીબે બચ્યો છે. ત્યારે દિનપ્રતિદિન હાઈવે રોડ પર દોડતા ખાનગી સટલિયા ચાલકો સામે પોલીસની નિષ્ફળ કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઉદભવી રહ્યા છે.
જોકે સમગ્ર બાબતે સાબરકાંઠા જિલ્લા પોલીસ સહિત સાબરકાંઠા આરટીઓ વિભાગ તેમજ ટ્રાફિક પોલીસ સામે પણ હવે અનેક સવાલો ઉદભવી રહ્યા છે. જિલ્લાના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા ખાનગી સટલિયાઓ તેમજ જીપ ગાડીના ચાલકો સામે કાયદાનો પાઠ ભણાવવામાં આવે તે મહત્વનું બની રહે છે. ત્યારે આગામી સમયમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મોતની સવારી કરાવનાર ચાલકો સહિત વાહનો સામે કેવાં અને ક્યા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.