November 26, 2024

વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

જમ્મુ કાશ્મીર:  દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ પ્લેન શ્રીનગર એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ થયું હતું. વિમાનમાં કુલ 178 મુસાફરો હતા. આ ઘટના ત્યારે બની જ્યારે એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) શ્રીનગરને ‘ધમકીભર્યો કોલ’ મળ્યો, આ કોલ પછી તરત જ સીઆઈએસએફએ તાત્કાલિક કાર્યવાહી કરી અને થોડા સમય માટે એરપોર્ટને બંધ કરી દીધું. આ પછી વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટ UK611 સુરક્ષિત રીતે લેન્ડ થઈ.

એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જ્યારે ફ્લાઈટની તપાસ કરવામાં આવી તો તેમાં કંઈ જ મળ્યું ન હતું. ધમકીને નકલી ગણવામાં આવી હતી અને એરપોર્ટની કામગીરી સામાન્ય રીતે ફરી શરૂ થઈ હતી. સેફ્ટી પ્રોટોકોલ મુજબ પ્લેન લેન્ડ થતાની સાથે જ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ સમગ્ર પ્લેનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. લગભગ બે કલાક સુધી ચેકીંગ કામગીરી ચાલી હતી.

કોઈ વિસ્ફોટકો મળ્યા નહોતા અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનની તપાસ માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્નિફર ડોગ્સ પણ તૈનાત કરવામાં આવ્યા હતા. પરંતુ શોધખોળ બાદ પણ પ્લેનમાંથી કોઈ વિસ્ફોટક મળી આવ્યું ન હતું. આ સમગ્ર ઘટના દરમિયાન શ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઈટ ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: દિલ્હી-વારાણસી ફ્લાઈટમાં બોમ્બની ધમકી..

જો કે ફોન ક્યાંથી આવ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. સત્તાવાળાઓ બોમ્બની ધમકીના સ્ત્રોતની તપાસ કરી રહ્યા છે અને હવાઈ મુસાફરીની સલામતીને સુનિશ્ચિત કરવા તમામ પગલાં લઈ રહ્યા છે.

‘આઇસોલેશન બે’માં તપાસ હાથ ધરવામાં આવી
પ્લેન લેન્ડ થયા બાદ તરત જ તેને એરપોર્ટ પ્રોટોકોલ મુજબ ‘આઇસોલેશન બે’માં લઈ જવામાં આવ્યો હતો. વાસ્તવમાં આ એરપોર્ટનો એક ભાગ છે જ્યાં કટોકટીની સ્થિતિમાં તેને અન્ય પ્લેનથી અલગ પાર્ક કરી શકાય છે. વિસ્તારાની ફ્લાઈટ અહીં પાર્ક કરીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, શ્રીનગર એરપોર્ટ પર આવતી અન્ય ફ્લાઇટ્સ પણ આ સમયગાળા દરમિયાન ડાયવર્ટ કરવામાં આવી હતી. રનવે પણ થોડા કલાકો માટે બંધ રહ્યો હતો.