November 22, 2024

ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે કૃષિ મંત્રીનું નિવેદન, કહ્યુ – મેં આ અંગે અભ્યાસ નથી કર્યો!

જૂનાગઢઃ ઇકો સેન્સિટીવ ઝોન મુદ્દે હાલ માહોલ ગરમ છે. ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ મામલે નિવેદન આપતા જણાવ્યુ છે કે, ઇકો સેન્સિટીવ ઝોન અંગે અભ્યાસ કર્યો નથી.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઇકો સેન્સિટીવ ઝોન મુદ્દે જણાવ્યુ છે કે, ‘ઈકો સેન્સિટીવ ઝોન અંગે અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા છે. મેં ઈકો સેન્સિટીવ ઝોન અંગે અભ્યાસ કર્યો નથી. તેથી અભ્યાસ કર્યા બાદ શક્ય એટલો ખેડૂતોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશ.’

ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીના સરવે અને રાહત અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલ જણાવે છે કે, ‘સરકાર આ બાબતે મક્કમ રીતે ખેડૂતોને મદદરૂપ થવા કામ કરી રહી છે. કિસાન કોંગ્રેસના ચેરમેન અને પાલ આંબલિયાએ કરેલા આક્ષેપમાં કોઈ તથ્ય નથી.’

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કિસાન કોંગ્રેસ ચેરમેને આક્ષેપ કર્યો હતો. પાલભાઈ આંબલીયાએ સરકાર માત્ર જાહેરાતો આપતી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સરકાર માત્ર ઠાલા વચનો આપતી હોવાનું જણાવ્યું હતું.