Mahashivratri 2024: ગિરનારની આસપાસ આવેલા પૌરાણિક શિવાલયો અને ઇતિહાસ
વિવેક ચુડાસમા, જૂનાગઢઃ હાલ જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો ચાલી રહ્યો છે. ત્યારે ગિરનાર તળેટી શિવમય બની ગઈ છે. નાથ સંપ્રદાય સહિત અન્ય સંપ્રદાયના સાધુ-સંતો અલખની ધૂણી ધખાવીને તળેટીમાં બેસી ગયા છે. મહાશિવરાત્રિ શૈવપંથી સાધુઓ માટે સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. ત્યારે આજે આ આર્ટિકલમાં વાત કરીશું ગિરનારની ગિરિમાળમાં આવેલા, તળેટીમાં આવેલા અને ઘનઘોર જંગલમાં આવેલા પૌરાણિક શિવાલય વિશે. આ સાથે જ દરેક શિવાલય સાથે જોડાયેલા ઇતિહાસ અને માન્યતાઓ પણ જાણીશું.
- ભવનાથ મહાદેવ
ગિરનારની તળેટીમાં આવેલું મુખ્ય મંદિર એટલે ભવનાથ મહાદેવનું શિવાલય. જૂનાગઢથી સીધા તમે તળેટીમાં આવો એટલે એક મોટું શિવલિંગ દેખાય અને તેની બરાબર સામે ભવનાથ મહાદેવનું મંદિર. લોકભાષામાં પહેલા આ મંદિરને ‘ભવેહર’ કે ‘ભવેશ્વર’ તરીકે ઓળખવામાં આવતું હતું. ત્યારબાદ અપભ્રંશ થઈને ભવનાથ નામે હાલમાં ઓળખાય છે. ભવનાથ એટલે ભવનો નાશ કરનારા. ભવનાથ મહાદેવના શિવાલયમાં બે લિંગ આવેલા છે. એક લિંગ સ્વયંભૂ છે, જ્યારે બીજું લિંગ અશ્વત્થામા એ સ્થાપ્યું હોવાનું માનવામાં આવે છે. ‘સ્કંદપુરાણ’માં પણ ભવનાથ મહાદેવનો ઉલ્લેખ જોવા મળે છે. આ મંદિરનો ઇતિહાસ ઘણો લાંબો છે. એક દંતકથા પ્રમાણે, એક દિવસ મહાશિવરાત્રિની રાતે અજાણતા પારધી એક લિંગની પૂજા કરે છે. ત્યારબાદ આખી રાતે જાગરણ પણ કરે છે. ત્યારે ભગવાન ભોળાનાથ તેની ભક્તિથી પ્રસન્ન થાય છે અને પારધીને દેવલોક લઈ જવા માટે વિમાન મોકલે છે. ત્યારે વચ્ચે યમના કિંકણ અને મહાદેવના ગણ વચ્ચે યુદ્ધ થાય છે. તેમાં ગણ જીતી જાય છે અને વિમાન ઇન્દ્રલોક પહોંચે છે. ત્યાં ઇન્દ્ર વિમાનમાં પારધીને બેસેલો જોઈને તેની પૂજા કરે છે. ત્યારબાદ પારધી તેને આખી કહાણી કહે છે. આ રીતે ભવનાથ મહાદેવનું શિવલિંગ ખ્યાતિ પામે છે. એવી માન્યતા છે કે, અશ્વત્થામા દરરોજ અહીં કોઈને કોઈ સ્વરૂપે આવે છે અને શિવલિંગની પૂજા કરે છે.
- વસ્ત્રાપથેશ્વર મહાદેવ
ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના મંદિરની સામે અન્ય એક શિવાલય આવેલું છે, જે ‘વસ્ત્રાપથેશ્વર મહાદેવ’ તરીકે ઓળખાય છે. ‘સ્કંદપુરાણ’માં પણ વસ્ત્રાપથેશ્વર મહાદેવનો ઉલ્લેખ જોવા મળે છે. તેના ઇતિહાસ વિશે વાત કરીએ તો, એક દંતકથા પ્રમાણે, મહાદેવ પત્ની પાર્વતીથી રિસાઈ જાય છે અને અહીં ભવનાથમાં આવે છે. અહીં આવીને મહાદેવ અદૃશ્ય થઈ જાય છે અને તેમના કપડાં અહીં પડી જાય છે. પછી માતા પાર્વતી સહિત તમામ દેવો મહાદેવને શોધતા-શોધતા ભવનાથ તળેટીમાં આવે છે. બહુ પ્રયત્નો છતાં મહાદેવ મળતા નથી. ત્યારે માતા પાર્વતી મહાદેવની સ્તુતિ કરે છે અને ભોળાનાથ તેમના ભોળા સ્વભાવ પ્રમાણે પ્રગટ થાય છે. આમ, મહાદેવના વસ્ત્રો જે જગ્યા પર પડે છે તે ‘વસ્ત્રાપથેશ્વર મહાદેવ’ તરીકે ઓળખવામાં આવે છે. વસ્ત્રાપથેશ્વર મહાદેવનું શિવાલય ભવનાથ મહાદેવ કરતાં પણ વધુ જૂનું છે અને ‘વસ્ત્રાપથેશ્વર મહાદેવ’ને સમગ્ર ગિરનાર ક્ષેત્રના અધિપતિ ગણવામાં આવે છે.
- મુચકુંદેશ્વર મહાદેવ
ગિરનારની તળેટીમાં દામોદર કુંડ પાસે મુચકુંદેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે. તેની સાથે એવી દંતકથા જોડાયેલી છે કે, મુચકુંદ નામના રાજાએ દેવતાઓને યુદ્ધમાં મદદ કરીને જીતાડ્યા એટલે તેમને વરદાન માગવા કહ્યું, ત્યારે રાજા મુચકુંદે અભયનિંદ્રાનું વરદાન માંગ્યુ અને કહ્યુ કે, જે કોઈ મને જગાડે તે બળીને ભસ્મ થઈ જાય. ત્યારે દેવતાઓએ રાજાને તથાસ્તુ કહીને વરદાન આપ્યું. ત્યારબાદ મુચકુંદ રાજા રૈવતાચળ એટલે કે હાલના ગિરનારની ગિરિમાળામાં આવેલી મુચકુંદ ગુફામાં આવીને સૂઈ ગયા. આ સમયે ગર્ગાચાર્ય ઋષિના પુત્ર કાળયવને મથુરા ઘેરી લીધું અને ભગવાન શ્રીકૃષ્ણ પર હુમલો કર્યો. ત્યારે શ્રીકૃષ્ણ બચવા માટે ભાગ્યા. ત્યાંથી તેઓ રૈવતાચળ પર્વતની મુચકુંદ ગુફામાં આવ્યા. ત્યાં મુચકુંદ રાજાને જોઈને તેમને પીતાંબર ઓઢાળી દીધું. તેની પાછળ કાળયવન પણ મુચકુંદ ગુફામાં આવ્યો. કૃષ્ણનું પીતાંબર જોઈને તેમણે સૂતેલા મુચકુંદ રાજાને લાત મારી. ત્યારે નિંદ્રામાંથી જાગીને મુચકુંદ રાજાની દૃષ્ટિ કાળયવન પર પડી અને તે બળીને ભસ્મ થઈ ગયો. આમ, ભગવાન કૃષ્ણને અને મુચકુંદ રાજાને ગર્ગાચાર્ય ઋષિના પુત્ર કાળયવનને મારવાથી બ્રહ્મહત્યાનું પાપ લાગે છે અને તેના પશ્ચાતાપ માટે બંને ગુફામાં બેસીને જ તપ કરે છે. તેમના તપથી પ્રસન્ન થઈને ભગવાન ભોળાનાથ પ્રગટ થાય છે અને તે મુચકુંદેશ્વર મહાદેવ તરીકે જાણીતા થાય છે. આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણએ અહીં અન્ય એક શિવલિંગની સ્થાપના કરી હતી, તે નિલકંઠ મહાદેવ નામે ઓળખાય છે. આ જગ્યાની ખાસિયત એ છે કે, ‘સ્કંદ પુરાણ’માં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગિરનારની યાત્રા શરૂ કરતા પહેલાં મુચકુંદેશ્વર મહાદેવના દર્શન કરી તેમની આજ્ઞા લેવી પડે છે તો જ યાત્રા સફળ માનવામાં આવે છે.
- જટાશંકર મહાદેવ
ગિરનાર પર્વતની જૂની સીડી એટલે કે શેષાવન-ભરતવનના રસ્તે જતા 500 સીડી ચડીએ એટલે જમણાં હાથે જટાશંકર મહાદેવ તરફ જવાનો રસ્તો આવે છે. અહીંથી પાંચેક મિનિટ જેટલો કેડીનો રસ્તો આવે છે અને પછી દેખાય છે ગિરનારના જંગલમાં બિરાજમાન જટાશંકર મહાદેવનું મંદિર. મંદિર તરફ જતી વખતે રસ્તામાં એરો કરેલા છે એટલે રસ્તો ભટકવાની બીક રહેતી નથી. આપણે બધા આ શિવાલયને જટાશંકર મહાદેવના નામથી જ ઓળખીએ છીએ, પરંતુ આ શિવાલયનું સાચુ નામ ‘ગંગેશ્વર મહાદેવ’ છે. ‘સ્કંદ પુરાણ’માં પણ આ શિવાલયનો ગંગેશ્વર મહાદેવના નામે ઉલ્લેખ જોવા મળે છે. એક નાની ગુફામાં અડધા ફૂટ જેટલું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ્યું હોવાની માન્યતા છે અને ગમે તે ઋતુ હોય તેના પર અવિરત જળધારા વહેતી રહે છે. પુરાણમાં આ જળધારાને ગંગા તરીકે વર્ણવામાં આવી છે. તેથી આ શિવાલયને ગંગેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે. ચોમાસાની ઋતુમાં આ જગ્યા સોળે કળાએ ખીલી ઉઠે છે. ત્યાં નજીકમાંથી જ એક ઝરણું પસાર થાય છે અને તેમાં સ્થાનિકો સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ નહાવા માટે આવતા હોય છે.
- આત્મેશ્વર મહાદેવ
જૂનાગઢમાં દોલતપરા પાસે આવેલા ઇન્દ્રેશ્વર થાણાની ચેકપોસ્ટ પર રજિસ્ટ્રેશન કરાવીને આત્મેશ્વર મહાદેવ સુધી પહોંચી શકાય છે. આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો, છેલ્લા 60 વર્ષ પહેલાં જ આ જગ્યા શોધવામાં આવી છે. કારણ કે અન્ય કોઈ જગ્યાએથી તેના ઉલ્લેખ મળતા નથી. એવું માનવામાં આવે છે કે, આ શિવલિંગ ઘણું જૂનું છે, પણ 60 વર્ષ પહેલાં પહેલીવાર દેવજીભગત આ જગ્યાએ આવ્યા હતા અને તેમણે આ મંદિરમાં શિવજીની આરાધનાની શરૂઆત કરી હતી અને પ્રચાર કર્યો હતો. આ જગ્યા વન આરક્ષિત ક્ષેત્રમાં આવતી હોવાથી તમારે આત્મેશ્વર મહાદેવ સુધી પહોંચવા માટે ઇન્દ્રેશ્વર થાણાની ચેકપોસ્ટ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. વન આરક્ષિત ક્ષેત્ર હોવાથી પરમિશન વગર રાત રોકાવવાની પણ મનાઈ છે અને બપોરે 3 વાગ્યા પછી અહીં એન્ટ્રી આપવામાં આવતી નથી. આ ઉપરાંત વન્ય જીવને કોઈ નુકસાન ન પહોંચે તેની પણ ખાતરી જરૂરી છે.
- જોગણેશ્વર મહાદેવ
ગિરનારની ગિરિમાળામાં ઇંટવા ઘોડી પર જોગણેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે. આત્મેશ્વર મહાદેવની કેડી આગળ જતા જોગણેશ્વર મહાદેવ તરફ લઈ જાય છે. પહેલાં આ જગ્યા ચોસઠ જોગણીઓ અને બાવનવીરનું સ્થાનક માનવામાં આવતી હતી. ત્યારે જોગણીઓની બીકને કારણે કોઈ અહીં આવતું નહોતું. એવા સમયે નવાબ રસૂલખાનજીના સમયગાળા દરમિયાન બાવાજી ભૈરવગર દેવગરે આ જગ્યાએ ધૂણી ધખાવી હતી અને પ્રચાર કર્યો હતો. નવાબ રસૂલખાનજીને આ જગ્યા વિશે જાણ થતા તેમણે દીવા માટે તે સમયે વાર્ષિક 25 રૂપિયા બાંધી આપ્યા હતા. ત્યારબાદ સમય જતો ગયો અને અનેક ભગત આ જગ્યાએ આવતા ગયા. આજે તે તમામ ભગતોની સમાધિ અહીં આવેલી છે. ત્યારબાદ બે મોટા રૂમ પણ આવેલા છે. જેમાં ચોસઠ જોગણી અને ભૈરવના સ્થાપન પણ જોવા મળે છે. આ જગ્યા ઇંટવા ઘોડી પર આવી હોવાથી આ શિવાલયને ઇંટવા મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં રહેવા-જમવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. પરંતુ આ જગ્યા પણ વન આરક્ષિત ક્ષેત્રમાં આવતી હોવાથી તમારે ઇન્દ્રેશ્વર થાણાએ પહેલા રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને પરવાના વગર રાત રોકાવવાની મંજૂરી પણ મળતી નથી. તેથી સાંજના 5 વાગ્યા પહેલા પરત આવી જવું પડે છે.
- દાતારેશ્વર મહાદેવ
ગિરનારના જંગલમાં આ શિવાલય આવેલું છે. તમે ઘણીવાર આ જગ્યાએ ગયા હશો પણ તમને યાદ નહીં હોય, ચાલો હું યાદ અપાવું. આ જગ્યાનું મૂળ નામ છે કાશ્મીરી બાપુનો આશ્રમ. અહીં જ દાતારેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે. તળેટીમાં ગિરનારના દાદરા તરફ જઈએ ત્યાં લંબે હનુમાન મંદિર સામેનો રસ્તો કાશ્મીરી બાપુની ગુફા તરફ જાય છે. બીજો રસ્તો ગોરખનાથ આશ્રમ સામેથી જાય છે. એવું માનવામાં આવે છે કે, કાશ્મીરી બાપુને દાતાર બાપુ પર બહુ જ શ્રદ્ધા હતી અને તેને કારણે જ તેમણે સ્થાપેલા આ શિવાલયનું નામ દાતારેશ્વર મહાદેવ રાખ્યું હતું. કાશ્મીરી બાપુ તેમના આશ્રમ તરફના રસ્તેથી જ ઉપલા દાતાર જતા હતા.
- ઇન્દ્રેશ્વર મહાદેવ
ઘનઘોર જંગલ વચ્ચે બિરાજમાન મહાદેવની આ જગ્યા ખરેખર રમણીય અને અલૌકિક હોવાનું માનવામાં આવે છે. ગિરનારની ગિરિમાળામાં આવેલા વીરભદ્ર ડુંગર પર આ શિવાલય આવેલું છે. એવી માન્યતા છે કે, ઇન્દ્રએ પરસ્ત્રીગમનનું પાપ કર્યું હતું. ત્યારે પહાડમાં પડેલા આ અપૂજ શિવલિંગની પૂજા કરીને પાપમાંથી મુક્તિ મેળવી હતી. તેથી આ શિવલિંગને ઇન્દ્રેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે, નરસિંહ મહેતા અહીં પૂજા કરવા આવતા હતા અને તેમણે અહીં બિરાજમાન ઇન્દ્રેશ્વર મહાદેવને પ્રસન્ન કરીને વૈકુંઠ પ્રાપ્ત કર્યું હતું.
- પાટનાથ મહાદેવ
ગિરનારના જંગલમાં એક જગ્યા આવેલી છે જેને સૂરજકુંડ નામથી ઓળખવામાં આવે છે. અહીં એક શિવાલય આવેલું છે જેને પાટનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. આ જગ્યા મહેરનાથજીએ સ્થાપી હતી. આ જગ્યાના 120 વર્ષ જૂના શિલાલેખ મળી આવે છે. પરંતુ તે પહેલાંના કોઈ ઉલ્લેખ નથી. ત્યારે શિવાલયની બાજુમાં એક સૂરજકુંડ આવેલો છે. એવી માન્યતા છે કે, આ કુંડમાં ક્યારેય પાણી ખૂટતું નથી. આ પૂર્વાભિમુખ મંદિરમાં દર્શન કર્યા બાદ સૂરજ કુંડમાં નહાવાનું અનેરું મહાત્મય છે. પરિક્રમા વખતે પણ આ જગ્યાએ જઈ શકાય છે અને આડા દિવસે પાટવડ નાકે વનવિભાગની ઓફિસમાં રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ આ જગ્યાએ જઈ શકાય છે.