જૂનાગઢમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મજેવડી દરવાજા સામે દરગાહનું ડિમોલિશન
જૂનાગઢઃ શહેરમાં અનેક ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યાં છે. મહાનગરપાલિકાએ મધરાતે ડિમોલિશન ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં મજેવડી દરવાજાની સામે આવેલી દરગાહ પણ તોડી પાડવામાં આવી છે.
મજેવડી દરવાજા તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ડિમોલિશનની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાએ ડિમોલિશન હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગત 16મી જૂને દબાણની કામગીરીને લઈને ઘર્ષણ થયું હતું અને ત્યારે વિધર્મીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
પહેલા નોટિસ પણ આપવામાં આવી હતી
મજેવડી ગેટ પાસે આવેલી આ દરગાહ ગેરકાયદેસર હતી. તેને હટાવવા માટે મહાનગરપાલિકાએ જૂન, 2023માં પણ નોટિસ પાઠવી હતી. પરંતુ નોટિસ મળતાંની સાથે જ મુસ્લિમ ટોળાંએ કાવતરું રચ્યું હતું અને રાત્રે પોલીસ સમજાવવા ગઈ હતી, ત્યારે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. તેમાં અનેક પોલીસકર્મીઓને ઇજા પહોંચી હતી.
એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું
આ મામલે દાખલ કરવામાં આવેલી FIRમાં જાણવા મળ્યું હતું કે, ઉન્માદી ટોળાએ ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે પોલીસકર્મીઓને મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો. આ દરમિયાન એક ST બસને પણ નિશાન બનાવવામાં આવી અને પથ્થરો ફેંકાયા હતા. તેમજ કેટલાંક વાહનો પણ સળગાવી દેવામાં આવ્યાં હતાં. આ ધમાલમાં એક નિર્દોષ હિંદુ વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
અન્ય ધાર્મિક દબાણ પર દૂર કર્યા
આખરે જૂનાગઢના તંત્રે આ વિવાદિત દરગાહ તોડી પાડી છે. જો કે, આ સાથે અન્ય પણ કેટલાંક ધાર્મિક દબાણ પણ હટાવવામાં આવ્યાં છે. જેમાં તળાવ દરવાજા નજીક આવેલા જલારામ મંદિર અને રેલવે સ્ટેશન રોડ પર આવેલા રામદેવપીરના મંદિરનો પણ સમાવેશ થાય છે.