November 21, 2024

જસ્ટિસ સંજીવ ખન્ના બન્યા દેશના 51માં ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિ મુર્મુએ લેવડાવ્યા શપથ

 Justice Sanjeev Khanna: જસ્ટિસ સંજીવ ખન્ના (Justice Sanjeev Khanna) એ આજે ​​(11 નવેમ્બર) દેશના 51મા CJI તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા હતા. સંજીવ ખન્નાએ રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં શપથ લીધા. આ સમારોહ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

ચૂંટણીમાં ઈવીએમની ઉપયોગિતા જાળવી રાખવી, ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમનો અસ્વીકાર કરવો, કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને સમર્થન આપવું અને તેમને એ બેંચમાં સામેલ કરવામાં આવ્યા હતા જેણે લોકસભા ચૂંટણી દરમિયાન પ્રચાર માટે દિલ્હીના તત્કાલિન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો નિર્ણય આપ્યો હતો.

તીસ હજારી કોર્ટથી ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ સુધીની સફર
જસ્ટિસ સંજીવ ખન્ના દિલ્હીના રહેવાસી છે અને તેમણે પોતાનું તમામ શિક્ષણ દિલ્હીથી જ કર્યું છે. તેમનો જન્મ 14 મે 1960ના રોજ થયો હતો. તેમના પિતા જસ્ટિસ દેસ રાજ ખન્ના હતા, જેઓ દિલ્હી હાઈકોર્ટના જજ તરીકે નિવૃત્ત થયા હતા.

1983માં તેઓ દિલ્હી બાર કાઉન્સિલમાં એડવોકેટ તરીકે દાખલ થયા. શરૂઆતમાં તીસ હજારી કોમ્પ્લેક્સ, દિલ્હી ખાતેની જિલ્લા અદાલતોમાં અને બાદમાં દિલ્હીની હાઈકોર્ટમાં અને બંધારણીય કાયદો, પ્રત્યક્ષ કરવેરા, મધ્યસ્થી જેવા વિવિધ ક્ષેત્રોમાં ટ્રિબ્યુનલ્સમાં પ્રેક્ટિસ કરી. વાણિજ્યિક કાયદો, કંપની કાયદો, જમીન કાયદો, પર્યાવરણીય કાયદો અને તબીબી બેદરકારીના કાયદાઓ પર તેમની પાસે સારી પકડ છે.

જસ્ટિસ સંજીવ ખન્ના કેટલા સમય સુધી CJI પદ પર રહેશે?
તેઓ 18 જાન્યુઆરી, 2019 ના રોજ ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે ઉન્નત થયા હતા. તેઓ 17 જૂન 2023 થી 25 ડિસેમ્બર 2023 સુધી સુપ્રીમ કોર્ટ લીગલ સર્વિસ કમિટીના અધ્યક્ષ પદે રહ્યા હતા. તેઓ હાલમાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના કાર્યકારી અધ્યક્ષ અને રાષ્ટ્રીય ન્યાયિક એકેડેમી, ભોપાલની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય પણ છે. સંજીવ ખન્ના 13 મે 2025 સુધી CJIનું પદ સંભાળશે.