November 22, 2024

મોરબીથી શરૂ થઈ કોંગ્રેસની ન્યાય યાત્રા, ભાજપ પર પ્રહારની સાથે પ્રારંભ

ડેનિશ દવે, મોરબી: આજે મોરબીના દરબારગઢથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે. આ ન્યાય યાત્રામાં વડગામથી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ગુજરાત કોંગ્રેસ કિશાન મોરચા પ્રમુખ પાલભાઈ આંબલીયા, રાષ્ટ્રીય સેવા દળ પ્રમુખ લાલજી દેસાઈ, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમર, પ્રદેશ સેવાદળ મહિલા પ્રમુખ પ્રગતિબેન આહીર, સોમનાથથી ધારાસભ્ય વિમલ ચુડાસમા, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, પુર્વ ધારાસભ્ય લલિત કગથરા, ઋત્વિક મકવાણા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, પિરઝાદા સહિતના હાજર રહ્યા અને ગુજરાત બહારના અન્ય રાજ્યના લોકો પણ જોડાયા છે. જેમાં આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, તમિલનાડુ, હરિયાણા અને છત્તીસગઢના લોકો જોડાયા છે.

મોરબીમાં ક્રાંતિસભા સાથે ન્યાયયાત્રાના પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આ તકે કોંગ્રેસ સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપના શાસન દરમિયાન લોકોને સવાલ પૂછવાની પાબંદી છે, અન્યાય સામે અવાજ ઉઠાવવામાં આવે તો વાતાવરણ ડહોળાઈ છે તેવો પ્રજા ઉપર આરોપ મુકાય છે ત્યારે આજના ક્રાંતિ દિવસે ભાજપના ભ્રષ્ટાચારી શાસન સામે અવાજ ઉઠાવવા અને રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી ઘટનાઓમાં મૃત્યુ પામેલા મૃતકોને ઝડપી ન્યાય મળે તે માટે પીડિત પરિવારનો અવાજ બનવા આ ન્યાય યાત્રા યોજાઈ રહી છે.

કોંગ્રેસ સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈએ કોંગ્રેસની ન્યાયયાત્રા સામે ભાજપે તિરંગા યાત્રા યોજતા સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં ઘેર ઘેર તિરંગો લહેરાય જ છે જયાં નથી લહેરાતો ત્યાં તિરંગા યાત્રા યોજો. સાથે જ રાજ્યમા જેટલા ઓવરબ્રિજ બન્યા તેના બન્ને છેડે મુકવામાં આવેલ ભારતમાતાની પ્રતિમાઓના હાથમાં તિરંગો લહેરાવવા જણાવી આરએસએસના કાર્યાલય ખાતે આઝાદી બાદ ક્યારેય તિરંગો લહેરાયો ન હોય ત્યાં પણ તિરંગો લહેરાવવા ટકોર કરી હતી.

વધુમાં લાલજી દેસાઈએ ઉમેર્યું હતું કે, ન્યાયયાત્રા દરમિયાન મોરબીમાં ક્રાંતિસભા, રાજકોટમાં સંવેદનસભા, સુરેન્દ્રનગરમાં આઝાદીસભા, વિરમગામમાં અધિકારસભા અમદાવાદમા સંવિધાનસભા અને ગાંધીનગરમા ન્યાયસભા યોજવામાં આવશે અને ગામેગામથી લોકોને થયેલા અન્યાય મામલે અવાજ ઉઠાવવામાં આવશે.

સાથે કિશાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ પણ ભાજપના ભ્રષ્ટ શાસન વિશે ચાબખા મારતા કહ્યું હતું કે, મોરબી ઝૂલતાપૂલ, રાજકોટ ગેમઝોન, સુરતની તક્ષશિલા, વડોદરાની હરણી બોટ જેવી દુર્ઘટનામાં નિર્દોષ લોકોનો ભોગ લેવાયા બાદ ભ્રષ્ટ અધિકારીઓ અને ભાજપના નેતાઓને બચાવવા માટે સીટ, સત્ય શોધક સમિતિઓની રચના થાય છે અને પીડિતોને ઝડપી ન્યાય તો મળવો ઠીક ચણા મમરા જેવી સહાય વળતર ચૂકવાય છે જે યોગ્ય ન હોવાનું જણાવી આકરા પ્રહારો કર્યા હતા.