સાંસદ કેસરીદેવસિંહનો આક્રોશ – રાહુલ ગાંધીની ટિપ્પણીને સ્પષ્ટ રીતે વખોડી કાઢું છું
અમદાવાદઃ રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને રાહુલ ગાંધી સહિત આપના ઉમેદવાર ઉમેશ મકવાણાએ રાજવી પરિવાર વિશે કરેલી ટિપ્પણીની ટીકા કરી હતી. તેમણે કહ્યુ કે, ‘2 દિવસ પહેલાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજા-રજવાડાંઓ પર ટિપ્પણી કરી હતી. તેને કારણે રાજવી પરિવારને ઠેસ પહોંચી છે. ક્ષત્રિય સમાજના દીકરા તરીકે આ મુદ્દાને સ્પષ્ટપણે વખોડી કાઢું છું.’
તેઓ આગળ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવે છે કે, ‘રાહુલ ગાંધીને દેશના ઇતિહાસનો પૂરો ખ્યાલ નથી. રાજવીઓએ ક્યારેય પ્રજાને નુકશાન થાય તેવું કર્યું નથી. રાજવીઓ 18 વર્ણને ભેગા લઈને ચાલતા હતા. ઇમર્જન્સી સમયે રાજવીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા એ ન ભૂલવું જોઈએ. ભાવનગરના આપના ઉમેદવાર ઉમેશ મકવાણાએ પણ રાજવી પરિવારો અંગે ટિપ્પણી કરી હતી.’
તેઓ આગળ કહે છે કે, ‘ઉમેશ મકવાણાએ રાજા-મહારાજા અફીણ પિતા હોવાની ટિપ્પણી કરી હતી, તેને પણ અમે વખોડીએ છીએ. પરશોત્તમ રૂપાલાએ કહ્યું હતું ત્યારે પણ અમે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પરશોત્તમ રૂપાલાએ ઘણીવાર માફી માગી તેનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે, રૂપાલા સ્વીકારે છે કે તેમની ભૂલ થઈ છે. AAPના CM દારૂ કાંડને કારણે જેલમાં છે. અડધું મંત્રીમંડળ જેલમાં છે. AAP નેતાએ અફીણ જેવી બાબતનો ઉલ્લેખ રાજા મહારાજા વિશે ન કરવો જોઈએ.સંકલન સમિતિ પણ સમગ્ર મામલે કંઈક વિચાર કરી રહી છે. આગળની તેમની રણનીતિ એ જ કહેશે.’