December 8, 2024

બનાસકાંઠાની લોકસભા ચૂંટણી માટે ગેનીબેન અને રેખાબેન જ નહીં અન્ય 12 ઉમેદવારો પણ મેદાને

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો જંગ જમ્યો છે લોકસભાના ઉમેદવારોએ પોતાનું ફોર્મ ભર્યા બાદ ગઈકાલે ફોર્મ ચકાસણી હાથ ધરાઈ હતી જેમાં બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ કોંગ્રેસ સહિત 14 ઉમેદવારો મેદાને છે, જોકે ફોર્મ ભર્યા બાદ કોંગ્રેસની સ્થિતિ બનાસકાંઠા જિલ્લામાં સ્થિતિ કથળતી હોય તેવી ઊભી થઈ છે. ફોર્મ ભર્યા બાદ છેલ્લા 5 દિવસથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેને બનાસકાંઠામાં કોઈ સભા નથી યોજી અને બનાસકાંઠામાં કોંગ્રેસનું લોકસભા ચૂંટણી માટે કોઈ કાર્યાલય પણ શરૂ થયું નથી. બીજી બાજુ ભાજપ ઉમેદવાર રેખાબેન ફોર્મ ભર્યા બાદ પણ ગામેગામ સભા ગજવી રહ્યા છે અને જિલ્લા મથક પાલનપુરમાં લોકસભા કાર્યાલયની સાથે દરેક વિધાનસભા બેઠકો વાઇઝ કાર્યાલય ઉભા કરી રહ્યા છે. જેને લઇ ઉમેદવારી ફોર્મ બાદ ભાજપ વધુ સક્રિય બનાસકાંઠામાં જોવાં મળી રહ્યું છે. કોંગ્રેસને ગેનીબેનનું માનવું છે કે લોકો તેમની સાથે છે એટલે કાર્યાલયની જરૂર નથી જ્યારે ભાજપનું માનવું છે કે કોંગ્રેસે મેદાન છોડી દીધું છે.

લોકસભા ચૂંટણી માટે ભાજપે બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વ. ગલબા કાકાના પૌત્રી ડો. રેખા ચૌધરીને મેદાને ઉતાર્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસે ઉત્તર ગુજરાતના જાયન્ટ કિલર કહેવાતા અને વાવના વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા છે.જે દિવસથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી તે જ દિવસથી બંને ઉમેદવારો બનાસકાંઠાના ગામે ગામ સભા યોજી મતદારોની રિઝવાનો પ્રયાસ કરી રહ્યા છે, જોકે તે વચ્ચે 15 એપ્રિલે ગેનીબેને પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. ગેનીબેનને ઉમેદવારી પત્ર રજૂ કર્યા બાદ પોતાનો ચૂંટણી પ્રચાર થોભી દીધો હોય તેમ બનાસકાંઠામાં કોઈ જ સભા નથી યોજી રહ્યાં. આજ સુધી કોંગ્રેસ દ્વારા બનાસકાંઠા લોકસભા વિસ્તારમાં લોકસભાની ચૂંટણી માટે કોઈ જ કાર્યાલય પણ ખોલમાં આવ્યું નથી. બીજી બાજુ ભાજપ ઉમેદવાર ડો. રેખા ચૌધરીએ 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ બીજે દિવસથી પણ ગામેગામ સભાઓ યથાવત રાખી મતદારોને રિઝવી રહ્યા છે. જો કે ટિકિટ મળ્યાના પ્રથમ દિવસથી જ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં લોકસભા કાર્યાલય ખુલ્લો મુક્યો છે તો ફોર્મ ભર્યાના બીજા દિવસથી પણ પોતે બનાસકાંઠાના ગામે ગામ ખૂંદી રહ્યા છે અને મતદારોને રીઝવી રહ્યા છે. સાથે સાથે બનાસકાંઠાની વિધાનસભા ચૂંટણી કર્યાલયોનો પ્રારંભ પણ કરી રહ્યા છે. જોકે ટિકિટ જાહેર થયા બાદ એકાએક પોતાના કટાક્ષ ભર્યા નિવેદનોથી બનાસકાંઠામાં ચર્ચિત બનેલા ગેનીબેન ઠાકોરે પોતાનો ચૂંટણી પ્રચાર માટેની સભાઓ જ અટકાવી દેતા અનેક અટકળો વહેતી થઇ છે. તે વચ્ચે જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહનું કહેવું છે કે સમગ્ર દેશમાં મોદી લહેર છે તેમ બનાસકાંઠામાં પણ મોદી લહેર છે, જેમાં કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં જ નથી અને એટલે જ કોંગ્રેસ મેદાન છોડી શકે છે.

એક તરફ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનનો પ્રચાર અટક્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા કોંગ્રેસ મેદાન છોડી શકે છે તેવી વાતો કરી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું કહેવું છે કે દોઢ મહિનામાં મે સમગ્ર જિલ્લાનો પ્રવાસ કર્યો છે અને જિલ્લાના ગામેગામ ચૂંટણી પ્રચાર કર્યો છે. હવે મારે પોતાને એટલી બધી સભા કરવાની જરૂર નથી. બીજી બાજુ કાર્યલયો ખોલવાની બાબતને લઈ ગેનીબેનનું કહેવું છે કે કાર્યાલય ખોલવા એ મહત્વનું નથી કાર્યાલય માત્ર વ્યવસ્થાને ભાગરૂપે અને વહીવટી માટે હોય છે, બાકી સમગ્ર ચૂંટણી બનાસકાંઠાની જનતા લડતી હોવાનું ગેનીબેનનું માનવું છે. જોકે બનાસકાંઠાની લોકસભા ચૂંટણી માટે ફક્ત ગેનીબેન અને રેખાબેન જ નહીં અન્ય 12 ઉમેદવારો પણ મેદાને છે. અત્યારે તો લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે બનાસકાંઠાની રાજનીતિ ગરમાયેલી રહી છે ત્યારે બનાસકાંઠામાં હવે કોણ મેદાન મારે છે અને કોણ મેદાન છોડે છે તે તો ચૂંટણીના પરિણામ બાદ જ જાણી શકાશે.

બનાસકાંઠા લોકસભા સીટ પર જાતિવાદનું રાજકારણ છે અંદાજે 20 લાખ જેટલા મતદારો છે ત્યારે ઠાકોર ચૌધરી આદિવાસી એસ.સી રબારી મુસ્લિમ અને બ્રાહ્મણ મતોનું વર્ચસ્વ છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ આ બંને ઉમેદવારો જીત માટે કમર કસી રહ્યાં છે, પરંતુ ચોક્કસ મત બેંક કોંગ્રેસ પાસે છે અને તેનો લાભ અત્યારે તો ભાજપ લઈ રહ્યું છે. કોંગ્રેસની પીછે હઠ જોવા મળી રહી છે કારણ કે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર છેલ્લા પાંચ દિવસથી પ્રચાર નથી કરી રહ્યાં તો તેમનું માનવું છે કે તેમને પ્રચાર કાર્યાલયની પણ જરૂર નથી એટલે હવે ગેનીબેન આગામી દિવસોમાં શું રણનીતિ અપનાવે છે તે જોવું રહ્યું.