સૌથી વધુ વખત હારવાનો ઇતિહાસ બનાવનારા ઉમેદવાર, 238 વાર હાર્યા
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે. આવી સ્થિતિમાં તમામ ઉમેદવારો જીતવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. એક ઉમેદવાર એવો પણ છે કે, જે હારવા માટે જ ચૂંટણી લડી રહ્યો છે. હા, તમે બરાબર વાંચ્યું છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે, વિજેતા ઈતિહાસ રચે છે, પરંતુ તમિલનાડુના મેટુરના રહેવાસી કે. પદ્મરાજને હાર્યા છતાં લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં જગ્યા બનાવી છે. તેઓ ફરી એકવાર ચૂંટણી લડવા માટે તૈયાર છે.
લગભગ 300 વખત ચૂંટણી લડી ચૂક્યાં છે
પદ્મરાજન આ વખતે ધર્મપુરી લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર છે. ખાસ વાત એ છે કે, પદ્મરાજન અત્યાર સુધી દેશમાં 238 વખત ચૂંટણી લડી ચૂક્યા છે અને દરેક વખતે તેમને હારનો સામનો કરવો પડ્યો છે. લાખો રૂપિયા, સમય અને શક્તિ ગુમાવવા છતાં તે પોતાનું નસીબ અજમાવવાનું ચાલુ રાખે છે. તેઓ રાષ્ટ્રપતિ પદથી લઈને સ્થાનિક ચૂંટણી લડ્યા છે. એટલું જ નહીં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહ અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને ઘણા મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ સામે પણ ચૂંટણી લડી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ ‘ભારત રત્ન’ લાલ કૃષ્ણ અડવાણીનું ગુજરાત કનેક્શન, રામ રથયાત્રાથી માંડીને સાંસદ સુધીની કહાણી
તમિલનાડુના સાલેમના રહેવાસી ડૉ. પદ્મરાજન ‘ઇલેક્શન કિંગ’ તરીકે પ્રખ્યાત છે. પદ્મરાજને વર્ષ 1988માં પહેલીવાર ચૂંટણી લડી હતી. તેમણે લગભગ 300 ચૂંટણીઓ માટે નોમિનેશન ભર્યા છે અને સૌથી અસફળ ઉમેદવાર તરીકે તેમના નામે અનિચ્છનીય ગિનીસ રેકોર્ડ નોંધાવ્યો છે. ડૉ. પદ્મરાજનનું નામ લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સમાં પણ ‘ભારતના સૌથી અસફળ ઉમેદવાર’ તરીકે નોંધાયેલું છે. ડૉ. પદ્મરાજન પ્રથમ વખત 1986માં ચૂંટણી લડ્યા હતા. તેઓ રાષ્ટ્રપતિ પદ માટે પણ ચૂંટણી લડ્યા હતા, પરંતુ ત્યાં પણ તેઓ નિષ્ફળ ગયા હતા. ટાયરના વેપારી પદ્મરાજને પહેલીવાર 1986માં મેટ્ટુરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી.
પદ્મરાજને હારવાનું કારણ જણાવ્યું
વારંવાર ચૂંટણી લડવા પાછળનું કારણ જણાવતાં પદ્મરાજને કહ્યુ કે, ‘અત્યાર સુધી મેં 239 ઉમેદવારી નોંધાવી છે. હું વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે ચૂંટણી લડી રહ્યો છું. ચૂંટણીમાં મને સૌથી વધુ છ હજાર મત મળ્યા હતા. અત્યાર સુધી હું ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, DMK વડા કરુણાનિધિ, AIADMK વડા જયલલિતા, બીએસ યેદિયુરપ્પા સામે ચૂંટણી લડ્યો છું.’
આ પણ વાંચોઃ પરશોત્તમ રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજ અડગ, ટિકિટ પાછી ખેંચવાની માગ
તેણે વધુમાં કહ્યુ કે, ‘મારે ચૂંટણી જીતવી નથી, હું માત્ર હારવા માગુ છું. સફળતા માત્ર એક જ વાર અનુભવી શકાય છે, જ્યારે નિષ્ફળતાનો અનુભવ વારંવાર થઈ શકે છે. 1988થી અત્યાર સુધી મેં ચૂંટણી નોમિનેશન માટે એક કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. હું મારા ઘરની નજીક પંચરની નાની દુકાન ચલાવીને કમાણી કરું છું. આ કામમાંથી એકત્ર થયેલા પૈસાથી હું આ થાપણો ચૂકવીશ. હું પ્રમુખપદની ચૂંટણી, કોર્પોરેશન અને વોર્ડની ચૂંટણી સહિત તમામ ચૂંટણી લડ્યો છું. આ પછી પણ હું ચૂંટણી લડીશ.’