November 25, 2024

ED, CBI તમારી કઠપૂતળી હતી, તો પછી ચૂંટણી કેમ હાર્યા; કોંગ્રેસના આરોપો પર PM મોદી ભડક્યા

Lok Sabha Election: લોકસભા ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થયા છે. હવે ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આકરી ટીકા કરી હતી અને મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે, મોદી સરકાર ચૂંટણી જીતવા માટે CBI અને ED જેવી કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ ED, CBI અને EVM પર વિપક્ષના આરોપોનો ખુલ્લેઆમ જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો: અમિત શાહના ફેક વીડિયો પર PM નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું…

કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે 2014 પહેલા CBI અને ED તેમના હાથની કઠપૂતળી હતી, પછી તેઓ ચૂંટણી કેવી રીતે હારી ગયા. વડાપ્રધાને ઈવીએમ સાથે છેડછાડની આશંકાઓને પણ પાયાવિહોણી ગણાવી હતી અને કહ્યું હતું કે આટલા મોટા દેશમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પણ ફિક્સ નથી કરી શકાતી. તેમણે કહ્યું કે વિપક્ષ દુનિયાને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

એક પ્રશ્નના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘2014માં તેમની પાસે ED અને CBI હતી, તો પછી તેઓ કેમ હાર્યા? તેઓએ મારા ગૃહમંત્રી (અમિત શાહ તે સમયે ગુજરાતના ગૃહમંત્રી હતા)ને પણ જેલમાં ધકેલી દીધા હતા, તો પછી તેઓ કેમ હાર્યા? જો ઈડી-સીબીઆઈ સાથે ચૂંટણી જીતી શકાઈ હોત, કોંગ્રેસે વર્ષોથી ઈડી-સીબીઆઈનું કામ કર્યું છે, તો તેઓ બધી ચૂંટણી જીતી શક્યા હોત.

આ પણ વાંચો: ગુજરાતના દરિયાકિનારેથી 120 નોટિકલ માઇલ દૂર 173 પેકેટ ચરસ ઝડપાયું, બે આરોપીની ધરપકડ

વધુમાં પીએમે કહ્યું, ‘તમે આટલા મોટા દેશની ચૂંટણીઓ ફિક્સ નથી કરી શકતા, એટલું જ નહીં નગરપાલિકાની ચૂંટણી પણ ફિક્સ નથી કરી શકતા. શું આને ફિક્સ કરવું શક્ય છે? તેઓ માત્ર વિશ્વને મૂર્ખ બનાવી રહ્યા છે. દુ:ખની વાત એ છે કે તે લોકોને પૂછવાને બદલે મીડિયા અમને પૂછે છે. પીએમએ કહ્યું કે આ આરોપો ઈન્ડિયા એલાયન્સની નિરાશામાંથી ઉદભવ્યા છે. તેમણે કહ્યું, ‘છેલ્લા કેટલાક દિવસોથી આ લોકો એટલા નિરાશ થઈ ગયા છે કે તેઓ બહાના શોધી રહ્યા છે કારણ કે હાર પછી પણ તમારે લોકોની સામે જવું પડે છે. તેથી મને લાગે છે કે તેઓ પહેલેથી જ આ બધા બહાના શોધી રહ્યા છે. આ કદાચ તેમની આંતરિક વ્યૂહરચનાનો એક ભાગ છે.’

પીએમ મોદીએ કોંગ્રેસના મેનિફેસ્ટોની પણ ટીકા કરી અને કહ્યું કે તે મુસ્લિમ લીગથી પ્રભાવિત છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સંપત્તિના પુન:વિતરણના વિચારને ‘અર્બન નક્સલ’ની વિચારસરણી ગણાવી. તેણે કહ્યું, ‘એક્સ-રે એટલે દરેક ઘરમાં દરોડા પાડવો. જો કોઈ મહિલાએ અનાજના મોટા ડબ્બામાં સોનું છુપાવ્યું હોય તો તેનો પણ એક્સ-રે કરવામાં આવશે. તે મહિલાઓના દાગીના જપ્ત કરવામાં આવશે. જમીન અને મિલકતના દસ્તાવેજોની તપાસ કરીને આ તમામ મિલકતોની પુનઃ વહેંચણી કરવામાં આવશે. આવી માઓવાદી વિચારધારાએ દુનિયાને ક્યારેય મદદ કરી નથી. આ સંપૂર્ણપણે ‘અર્બન નક્સલ’ની વિચારસરણી છે.