મહાદેવ બેટિંગ એપ કેસ: પોલીસે અભિનેતા સાહિલ ખાનની કરી ધરપકડ
મહાદેવ બેટિંગ એપ કેસ: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની SITએ અભિનેતા સાહિલ ખાનની ધરપકડ કરી છે. સાહિલ ખાનની છતીસગઢના જગલપુરથી ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ સાહિલ ખાન પર સટ્ટાબાજીની સાઈટ ચલાવવા અને સટ્ટાબાજીને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. મુંબઈની માટુંગા પોલીસ મહાદેવ બેટિંગ એપ કેસની તપાસમાં સાહિલ ખાનનું નામ સામે આવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બોમ્બે હાઈકોર્ટમાંથી આગોતરા જામીન અને ધરપકડમાંથી રાહત ન મળતા સાહિલ ખાન મુંબઈથી ભાગી ગયો હતો. લગભગ 40 કલાક સુધી પીછો કર્યા બાદ પોલીસે સાહિલને પકડી લીધો હતો. સાહિલ ખાન વારંવાર પોતાનું લોકેશન બદલતો રહ્યો.
આ પહેલા ગુરુવારે પણ મહાદેવ સટ્ટાબાજી એપ કેસની તપાસ માટે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ અભિનેતા સાહિલ ખાનની ચાર કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે કોર્ટના આદેશ મુજબ ખાન બપોરે 1 વાગ્યે SIT સમક્ષ પહોંચ્યા અને તેમનું નિવેદન નોંધ્યા બાદ 5.30 વાગ્યે પરત ફર્યા. અધિકારીના જણાવ્યા અનુસાર, ખાને દાવો કર્યો હતો કે આ મામલામાં તેમની કોઈ ભૂમિકા નથી. જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મહાદેવ સટ્ટાબાજીની એપ કેસની તપાસ કરી રહી છે, ત્યારે મુંબઈ પોલીસે 32 લોકો સામે અલગ કેસ નોંધ્યો છે.