September 20, 2024

મહેસાણાના શિક્ષકને મળશે એવોર્ડ, સમાજવિદ્યા ભણાવવાની અનોખી રીત

કમલેશ રાવલ, મહેસાણાઃ ‘શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો, પ્રલય અને નિર્માણ તેની ગોદમાં પલે છેશિક્ષક અને શિક્ષણ એક સિક્કા ની બે બાજુ જેવા છે.આજે એક એવા શિક્ષક નો અમે આપને પરિચય કરાવીશું. મહેસાણા જિલ્લાનું જોટાણા તાલુકાના બાલસાસણ ગામ. અહીં પ્રાથમિક શાળાના શિક્ષક અનોખી રીતથી સમાજવિદ્યા ભણાવે છે. તેમની આ પદ્ધતિની રાજ્ય કક્ષાએ નોંધ લેવામાં આવી છે. આ શિક્ષકને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક માટે પસંદ કરવામાં આવ્યા છે.

બાલસાસણ ગામના શિક્ષિક દિપ્તિબેન જોશી. તેમની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. દીપ્તિબેન જોશીએ પરંપરાગત શિક્ષણ પદ્ધતિને બદલે બાળકો રમતા રમતા શીખી શકે તે માટે સામાજિક વિજ્ઞાનના શિક્ષણ માટે વિવિધ રમકડાં બનાવ્યાં છે. વિવિધ અભિનય ગીત તૈયાર કર્યા છે અને અભિનય થકી બાળકોને શિક્ષણ આપ્યું છે. રમકડાંથી સૌર મંડળ અને ગ્રહ વિશે બાળકોને સમજાવ્યા છે. આ અનોખી શૈક્ષણિક પદ્ધતિની રાજ્ય સ્તરે નોંધ લેવાઈ અને દીપ્તિબેન જોશીની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે.

દીપ્તિબેન વર્ષ 2008માં પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયા હતા. તેઓ જ્યારે બાલસાસણ પ્રાથમિક શાળામાં પોસ્ટિંગ મેળવીને આવ્યા ત્યારે પરંપરાગત પદ્ધતિને બદલે આધુનિક શૈક્ષણિક પદ્ધતિ ઉપયોગમાં લીધી હતી. ટેક્નોલોજીમાં રસ હોવાને કારણે દીપ્તિબેન જોશીએ સૌથી પહેલા શાળાને સ્માર્ટ સ્કૂલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. શિક્ષણમાં બાળકોને પડતી મુશ્કેલીનો અભ્યાસ કર્યો હતો અને બાળકો સહેલાઈથી કેવી રીતે શીખી શકે તે માટે વિવિધ અભ્યાસ કર્યા હતા.

આ દરમિયાન જાણવા મળ્યું કે, બાળકો વર્ગખંડમાં મળતા સીધા જ્ઞાન કરતાં પ્રોજેક્ટથી વધુ સરળતાથી શીખી શકે છે. આ કારણે તેમણે પ્રોજેકટ પદ્ધતિથી શિક્ષણ આપવાનું શરૂ કર્યું. જેને લઈને દીપ્તિબેન જોશીને અગાઉ મહેસાણા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક અને ચિત્રકૂટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે તેમની આ અનોખી પદ્ધતિને કારણે રાજ્ય સ્તરે પસંદગી કરવામાં આવી છે. દીપ્તિબેન જોશીની આ સિદ્ધિને મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પણ બિરદાવી છે.

મહેસાણાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શરદ ત્રિવેદી તેમની કામગીરીને બિરદાવતા કહે છે કે, ‘કોઈ કાર્ય કરવાની ભાવના હોવી જોઈએ. પછી ગમે તેવી પરિસ્થિતિ કેમ ન હોય. મહેસાણાના શિક્ષક દીપ્તિબેન જોશી આ બાબતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. નાના ગામડાંની શાળા એક આદર્શ શિક્ષકને કારણે આજે રાજ્યમાં નામના પાત્ર સરકારી શાળા બની છે અને તે એક શિક્ષકની સતત મહેનતને કારણે. ત્યારે આવા શિક્ષક પાસેથી ચોક્કસ શીખ લેવા જેવી ખરી. શિક્ષક ધારે તો કોઈપણ સ્થળે જ્ઞાનના ભંડાર ખોલી શકે છે.’