November 24, 2024

મહેસાણામાં પિતા-પુત્રની જોડીએ કરોડોનું ફુલેકું ફેરવ્યું, પૈસા ડબલ કરવાની લાલચ આપી ઠગાઈ

મહેસાણાઃ જિલ્લાના વિસનગર તાલુકમાં કરોડો રૂપિયાની ઠગાઈ કરી છે. વિસનગરના કડા ગામના લોકો લાલચમાં ઠગાયા છે. પિતા-પુત્રની જોડીએ પૈસા ડબલ કરવાની લાલચ આપીને 25થી વધુ લોકોને છેતર્યા છે. ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, મહેસાણાના વિસનગર તાલુકામાં કરોડો રૂપિયાની ઠગાઈ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. પિતા-પુત્રની જોડીએ ગામવાસીઓને 75 દિવસમાં પૈસા ડબલ કરવાની લાલચ આપી હતી. ત્યારે ગામના 25 કરતાં વધુ લોકો આ લાલચમાં આવીને છેતરાયા છે.

25 કરતાં વધુ લોકોએ પૈસા ડબલ કરવાની લાલચમાં 2.30 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. કડા ગામના રહેવાસી પિતા-પુત્રએ 75 દિવસમાં પૈસા ડબલ કરી આપવાની સ્કિમ આપી હતી. ગામના અને સમાજના લોકોને રોકાણ કરાવી બદલામાં ચેક આપ્યા હતા. પૈસા પરત લેવા જતા તમામના ચેક બાઉન્સ થયા હતા.

વિસનગર તાલુકા પોલીસે ચાવડા કિરીટસિંહ રજુજી અને ચાવડા વિશાલસિંહ કિરીટસિંહ નામના પિતા-પુત્ર સામે ઠગાઈની ફરિયાદ દાખલ કરી છે. થોડા સમયમાં પૈસાવાળા બનાવવાની લાલચ આપી ગામના લોકોને ઠગી લીધા છે.