મહિલા કરણી સેનાના અધ્યક્ષ પદ્મિનીબાએ રીવાબા સામે વ્યક્ત કર્યો રોષ
રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા થઇ રહી છે. નોંધનીય છે કે, થોડાક દિવસ અગાઉ રિવાબાના સસરાનો વીડિયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો હતો. તેમના સસરાએ એવું કહ્યું હતું કે, મારે રવિ (રવિન્દ્રસિંહ જાડેજા) કે એની પત્ની (રીવાબા જાડેજા) સાથે કોઈ પણ સંબંધ નથી. હું તેમની સાથે બોલતો નથી અને એ મને બોલાવતા નથી. જ્યારે હવે આ વિવાદને લઇને મહિલા કરણી સેના અધ્યક્ષે નિવેદન આપ્યું છે.
મળતી માહિતી અનુસાર મહિલા કરણી સેનાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ રીવાબા સામે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, રવિન્દ્ર જાડેજાના પારિવારિક જીવનની વાતને લઇને સમાજ ચિંતિત છે. રીવાબા જાડેજા સમાજની એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. જો તેમના ઘરે આવો માહોલ હોય તો સમાજ તેમની પાસેથી શું શીખશે? નોંધનીય છે કે રીવાબાના સસરાએ જે વાત બહાર પાડી છે તેને જોતા એવું લાગે છે કે આ દરેક વાત ખોટી થઇ રહી છે.
રીવાબાએ તેમના સસરાની માફી માંગીને તેમને ઘરે પાછા લાવવા જોઇએ. તેમજ રીવાબાએ સાસુ-સસરાને પોતાના માતા-પિતા તરીકે અપનાવવા જોઇએ. ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં આ વાત કહી હતી. અનિરૂદ્ધસિંહ જાડેજાએ પોતાના અને દીકરા રવિન્દ્ર સાથેના સંબંધને લઈને અનેક ખુલાસા આ વાતચીતમાં કર્યા છે.
ક્રિકેટરના પિતાએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષથી અમે દીકારાની દીકરીનું મોઢું પણ જોયું નથી. રવિના સાસુ સસરા જ બધો વહીવટ કરે છે. વધુમાં તેમણે કહ્યું કે મારી પાસે ગામડે જમીન પણ છે અને 20 હજાર રૂપિયાનું પેન્શન આવે છે. જેમાંથી મારો ખર્ચ નીકળે છે. હું ટુ બીએચકેના ફ્લેટમાં એકલો રહુ છું. હું મારી જીંદગી મારી રીતે જીવુ છું. આ ફ્લેટમાં આજે પણ અનિરુદ્ધસિંહે દીકરા રવિન્દ્રનો રૂમ સુંદર રીતે સજાવીને રાખ્યો છે.