December 13, 2024

ભારતે પાડોશી ધર્મ નિભાવ્યો તો માલદીવના વિદેશ મંત્રીએ ગદગદ થઈ કહ્યુ – દિલથી ધન્યવાદ…

maldives foreign minister thank india for renewal quota for essential goods

ફાઇલ તસવીર

માલેઃ માલદીવ સાથેના તણાવ વચ્ચે ભારતે જીવનજરૂરી ચીજવસ્તુઓની નિકાસને મંજૂરી આપી છે. માલદીવના વિદેશ મંત્રીએ તેના પર ભારતનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. માલદીવના વિદેશ મંત્રી મુસા ઝમીરે એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘હું માલદીવના વર્ષ 2024-25 દરમિયાન ભારતથી જરૂરી વસ્તુઓ આયાત કરવાને સક્ષમ બનાવવા માટે કોટાના નવીનીકરણ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર અને ભારત સરકારને ઇમાનદારીથી ધન્યવાદ આપું છું. આ એક પ્રતિક છે, જે ઘણાં સમયથી ચાલતી આવતી દોસ્તી અને બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને વાણિજ્યને વધારવાનું મજબૂત પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.’

માલદીવમાં ભારત વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમ છતાં, ભારત ‘પહેલા પડોશી’ની નીતિને વળગી રહ્યું છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે માલદીવમાં આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની નિકાસ વધારવા સંમતિ આપી છે. મોહમ્મદ મુઈઝુ રાષ્ટ્રપતિ બન્યા બાદ માલદીવમાં ચીનનો પ્રભાવ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતનો આ નિર્ણય ઘણો મહત્વનો છે. કેન્દ્ર સરકારના નિર્ણયની વિગતો માલદીવમાં ભારતીય હાઈ કમિશન તરફથી એક નિવેદનમાં આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ ઇન્ટરનેશનલ મીડિયાના દાવા પર રાજનાથ સિંહે કહ્યુ – …તો પાકિસ્તાનમાં ઘૂસી આતંકીઓને મારીશું

ભારતે નિકાસને મંજૂરી આપી
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘માલદીવ સરકારની વિનંતી પર ભારત સરકારે ચોક્કસ માત્રામાં આવશ્યક ચીજવસ્તુઓની નિકાસને મંજૂરી આપી છે. ભારત અને માલદીવ વચ્ચે વિશેષ દ્વિપક્ષીય મિકેનિઝમ હેઠળ આ વસ્તુઓની નિકાસ કરવામાં આવશે. નિકાસ કરવામાં આવતી દરેક આઇટમ માટે ક્વોટા વધારવામાં આવ્યા છે અને 1981માં આ સિસ્ટમ દાખલ કરવામાં આવી ત્યારથી નિકાસની પરવાનગી આપવામાં આવેલી રકમ સૌથી વધુ છે. આ માલદીવના વિકાસ માટે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.’

માલદીવને શું જોઈએ છે?
નદીની રેતી અને પત્થરો જેવી મહત્વની કોમોડિટીમાં સુધારેલા નિકાસ ક્વોટામાં વધારો જોવા મળ્યો છે. માલદીવના બાંધકામ ક્ષેત્ર માટે આ અત્યંત મહત્વપૂર્ણ છે. આ સામગ્રીઓની નિકાસ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેના પરિણામે કુલ 10 લાખ મેટ્રિક ટન નિકાસ માટે ઉપલબ્ધ છે. આ સિવાય ઈંડા, બટાકા, ડુંગળી, ખાંડ, ચોખા, ઘઉંનો લોટ અને કઠોળ જેવી વિવિધ આવશ્યક ખાદ્યચીજોની નિકાસ મર્યાદામાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ભારતે પહેલા પણ મુશ્કેલીના સમયમાં પડોશીઓની મદદ કરી છે.