November 21, 2024

MDH-એવરેસ્ટના મસાલાથી કેન્સર થાય? જાણો કંપનીઓ કેમ જંતુનાશક વાપરે છે

અમદાવાદઃ MDH અને એવરેસ્ટ મસાલામાં જંતુનાશકોના સમાચારે બધાને ડરાવી દીધાં છે. હોંગકોંગ અને સિંગાપોરમાં કેટલાક મસાલામાં હાનિકારક રસાયણો મળી આવ્યા હોવાના અહેવાલ છે. હવે ભારતમાં પણ તપાસની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કેટલાક સેમ્પલમાં ઈથિલિન ઓક્સાઈડ મળી આવ્યું છે. તે ઉચ્ચ સ્તરનો જંતુનાશક માનવામાં આવે છે. તેનાથી કેન્સરનું કારણ બને છે. આ આર્ટિકલમાં જાણો મસાલામાં આવા રસાયણો શા માટે ઉમેરવામાં આવે છે અને તે તમારા શરીરને કેવા પ્રકારનું નુકસાન પહોંચાડી શકે છે.

હોંગકોંગની સેન્ટ્રલ ફૂડ સેફ્ટી (CFS) ઓથોરિટીએ સ્ટોરમાંથી કેટલાક મસાલાના નમૂના લીધા અને તેનું પરીક્ષણ કર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, તેમાં ઇથિલિન ઓક્સાઈડ મળી આવ્યું હતું. MDHનો મદ્રાસ કરી પાવડર, સાંભાર મિશ્ર મસાલા પાવડર અને કરી પાવડર મિશ્રિત મસાલા અને એવરેસ્ટનો ફિશ કરી મસાલામાંથી આવા પ્રકારના રસાયણો મળી આવ્યા છે.

ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર ઈથિલિન ઓક્સાઈડને ઉચ્ચ સ્તરનું કેન્સર પેદા કરતું રસાયણ માને છે. ખાદ્ય સુરક્ષા નિયમો અનુસાર, કોઈ વસ્તુને માત્ર તે જ જંતુનાશકની માત્રા સાથે વેચી શકાય છે, જે ખાવા માટે સલામત છે. જો કે, અમુક ઉત્પાદનોને ઝડપથી બગડતા અટકાવવા માટે કંપનીઓ મોટા પ્રમાણમાં આવાં રસાયણો ઉમેરે છે. ઇથિલિન ઓક્સાઇડ એક જંતુનાશક છે જેનો ઉપયોગ ખોરાકમાં પણ કરવાની મંજૂરી નથી. તેનો ઉપયોગ મોટાભાગના પાકોમાં થાય છે.

આરોગ્ય નિષ્ણાતો માને છે કે, ખોરાકમાં ઇથિલિન ઓક્સાઇડની થોડી માત્રા પણ હાનિકારક છે. જો કે, તેની અસર તરત દેખાતી નથી પરંતુ સમય સાથે સમસ્યાઓ ઊભી થાય છે. યુએસ નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, ઇથિલિન ઓક્સાઇડ લિમ્ફોમા અને લ્યુકેમિયાનું જોખમ વધારે છે. આ સિવાય આ કેમિકલથી પેટ અને બ્રેસ્ટ કેન્સર પણ થઈ શકે છે. ઇથિલિન ઓક્સાઇડ ડીએનએને નુકસાન પહોંચાડે છે, જે કેન્સરનું કારણ બની શકે છે.