September 20, 2024

મહેસાણા એરોડ્રામ બન્યું પાલિકા માટે માથાનો દુઃખાવો, એવિએશન કંપનીની ટેક્સ ભરવામાં આળસ

કમલેશ રાવલ, મહેસાણા: મહેસાણા એરોડ્રામ પર ચાલતી પાયલોટ તાલીમ શાળા નગરપાલિકાને ફળતી નથી. મહેસાણા એરોડ્રામ ઉપર અત્યાર સુધી 2 કંપનીઓએ પાયલોટ તાલીમ શાળાઓ ચલાવી છે. પણ આ બંને કંપનીઓએ તાલીમ શાળા માટે એરોડ્રામ તો મેળવી લીધું પણ તાલીમ શાળાઓ ચલાવવા બદલ જરૂરી વેરો ભરપાઈ કરવાનું જ ભૂલી ગઈ. આ કારણે ભૂતકાળમાં તાલીમ શાળા ચલાવનાર ટ્રિપલ એ કંપનીના 7.68 કરોડ સલવાયા હતા. તો, હાલમાં પાયલોટ તાલીમ શાળા ચલાવતી બ્લ્યુ રે કંપની પાસેથી 2. 20 કરોડ રૂપિયા વેરા પેટે વસુલવાના બાકી છે. જો કે, ટ્રિપલ એ કંપનીએ તો વેરા રાહત યોજનાનો લાભ લઇ ચુકવણી કરી દીધી હતી. તો બ્લ્યુ રે કંપની છેલ્લા 2 વર્ષથી વેરો ભરી નથી રહી. વારંવાર નોટિસ આપવા છતાં પરિણામ શૂન્ય છે. ત્યારે, કરોડોનો બાકી વેરો કેવી રીતે વસુલવો તે એક મોટો સવાલ ઉભો થયો છે.

મહેસાણાનું એરોડ્રામ વર્ષો પછી ફરી એક વખત વિવાદનું કારણ બન્યુ છે. ભૂતકાળમાં વિમાની મથક બનાવવાના નામે ખેડૂતોની જમીન સંપાદિત કરી દેવાયા બાદ, આ સ્થળે એવિએશન કંપની શરૂ કરી દેવાતાં છેડાયેલો વિવાદ હજુ શાંત થયો નથી. ત્યાં એરપોર્ટ ઉપર અત્યાર સુધી કાર્યરત બે પાયલોટ તાલીમ શાળાઓએ નગરપાલિકાને વેરો સમયસર ચૂકવ્યો નથી. જો કે, ટ્રિપલ એ કંપનીએ કામગીરી બંધ કર્યા બાદ રાહત યોજનાનો લાભ લઇ વેરો ભરપાઈ કરી દીધો છે. પણ હાલમાં પાયલોટ તાલીમ શાળા ચલાવતી બ્લ્યુ રે એવિએશન કંપનીમાં પણ આ જ સ્થિતિ સર્જાઈ છે. ટ્રિપલ એ કંપનીની જેમ હવે બ્લુ રે કંપનીએ પણ છેલ્લા બે વર્ષથી વેરો ભર્યો નથી. આ કારણે બ્લુ રે કંપનીનો બાકી વેરો પણ 2.20 કરોડ આસપાસ પહોંચી ગયો છે.

મહેસાણા નગરપાલિકામાં હાલ બ્લ્યુ રે કંપની સૌથી મોટા વેરા બાકીદાર છે. ટ્રેનિંગ સેન્ટર ચલાવતી કંપની પાયલોટ બનવા ઇચ્છુક વિધાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ફી વસુલ કરે છે અને દિવસ અને રાત્રી દરમિયાન સતત વિમાન ઓપરેટિંગ થાય છે. આમ છતાં આ કંપની રન વે અને એરપોર્ટનો વેરો ભરપાઈ કરવા તૈયાર નથી. મહેસાણા નગરપાલિકા એક તરફ 15 લાખ ન ચૂકવી શકતા એક મહિના પૂર્વે નગરપાલિકાનો સામાન કોર્ટના હુકમથી સિલ કરવામાં આવ્યો છે અને હજુ પણ આ સિલ ખુલ્યું નથી. આમ એક તરફ નગરપાલિકા આર્થિક સંકડામણ અનુભવી રહી છે. તો બીજી તરફ આ કંપની કરોડોનો બાકી વેરો ભરપાઈ કરવા તૈયાર નથી.

મહેસાણા શહેરમાં આમ તો એરોડ્રામનો મામલો વર્ષોથી ગૂંચવાયેલો છે. વર્ષો પહેલા મહેસાણા શહેરમાં એરોડ્રામની સગવડ મળે તે માટે સરકારી તંત્ર દ્વારા ખેડૂતોની જમીન સંપાદિત કરાઇ હતી. પરંતુ ત્યારબાદ એરોડ્રામની નજીકના વિસ્તારમાં રહેણાંક મકાનો બની જતાં આ સ્થળ મોટા વિમાનોની ઉડાન માટે અયોગ્ય ઠેરવાયુ હતુ. તે વખતે જમીનના મૂળ માલિકોએ હેતુફેર થતો હોવાથી જમીન પરત આપવાની માગણી કરી હતી. જો કે, સરકારે તે વખતે જમીન પરત આપવાને બદલે એવિએશન કંપનીને આ જગ્યા પાઇલોટ ટ્રેનિંગ સ્કૂલ ચલાવવા માટે આપી દીધી હતી. જે અન્વયે હવે આ જગ્યાની તમામ જવાબદારી પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ ચલાવતી કંપનીઓની છે. પરંતુ, જ્યારથી આ જગ્યામાં એવિએશન કંપનીઓએ સ્કૂલ શરૂ કરી છે. ત્યારથી, નગરપાલિકાને ટેક્સ ચૂકવાયો નથી.

આ મામલો અગાઉ હાઇકોર્ટ સુધી પણ પહોચ્યો હતો. જો કે તે સમયે વેરો ચૂકવવાનો બદલે આ ટ્રિપલ એ કંપનીએ માલિકી હક્કનો મુદ્દો ઉપસ્થિત કરી છટકવાનો પ્રયાસ કર્યો હતો. કંપનીએ કોર્ટમાં તે સમયે દલીલ કરી હતી કે અમે તો માત્ર રન વેનો ઉપયોગ કરીએ છીએ તો આખા એરપોર્ટનો ટેક્સ કેમ ચૂકવીએ? જો કે, કોર્ટે તે સમયે આ કંપનીની દલીલ ફગાવી દીધી હતી. બાદમાં આ કંપનીએ પોતાનું કામ બંધ કર્યું હતું. તે સમયે 7 કરોડ કરતા વધુની રકમ વેરા પેટે બાકી હતી. જો કે, બાદમાં ટ્રિપલ એ કંપનીએ વેરો ભરપાઈ કરી દિધો હતો. પરંતુ આ વિવાદ હજુ માંડ શાંત થયો છે. ત્યારે હવે બ્લ્યુ રે કંપની પણ વેરો ભરપાઈ કરી નથી રહી

મહેસાણામાં આમ તો એરોડ્રામ દ્વારા ટેક્સ નહી ભરવાનું પ્રકરણ નવુ નથી. આ અગાઉ પણ બબ્બે વખત પાલિકા દ્વારા એરોડ્રામ સીલ કરી દેવાયુ હતુ. આમ છતાં બાકી વેરો વસુલવાની દિશામાં ખાસ કોઈ પરિણામ મળ્યું નથી. તાલીમ શાળા ચલાવતી કંપનીઓ બદલાઈ પણ નગરપાલિકા માટે તો એ જ બાકો વેરાનો પ્રશ્ન ઠેરનો ઠેર છે.