November 24, 2024

જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં હિમવર્ષાથી ચારેયકોર છવાઇ બરફની સફેદ ચાદર

સોનમર્ગ: જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગમાં સોમવારે સાંજે હિમવર્ષા થઈ હતી. હિમવર્ષાને કારણે ચારેબાજુ બરફની સફેદ ચાદર છવાઈ ગઈ હતી. રિસોર્ટની છત અને રસ્તાઓ બરફના થરથી ઢંકાયેલા હતા. શ્રીનગર હવામાન વિભાગે ગઈ કાલે વરસાદની આગાહી કરી હતી. શ્રીનગર હવામાન કેન્દ્રે સોમવારે સાંજે કાશ્મીર વિભાગમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગે આગામી 4-6 કલાક દરમિયાન પંથકમાં કેટલાક સ્થળોએ વરસાદની આગાહી પણ કરી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે તેની આગાહીમાં જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસા દરમિયાન સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે. પરંતુ વિભાગે કહ્યું છે કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. IMDના મહાનિર્દેશક (DG) મૃત્યુંજય મહાપાત્રાએ અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસા હેઠળ 1 જૂનથી 30 સપ્ટેમ્બરની વચ્ચે મોસમી વરસાદ લાંબા ગાળાની સરેરાશ (LPA) ના 106 ટકા રહેવાની શક્યતા છે.

મહાપાત્રાએ જણાવ્યું હતું કે IMD તેની આગાહીમાં ઉત્તર ગોળાર્ધમાં અલ નિનો, લા નીનો, હિંદ મહાસાગરના દ્વિધ્રુવની સ્થિતિ અને બરફના આવરણની સ્થિતિની અસરને ધ્યાનમાં લે છે અને આ તમામ પરિસ્થિતિઓ ભારતમાં આ વખતે સારા ચોમાસા માટે અનુકૂળ છે.

તેમણે કહ્યું કે ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક ભાગો સિવાય દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની પ્રબળ સંભાવના છે.

પરંતુ IMD ચીફે કહ્યું કે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ અને ઉત્તરાખંડમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. તેમના મતે તે જ રીતે પૂર્વોત્તર રાજ્યો – આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશની આસપાસના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.