July 5, 2024

મોડાસામાં રખડતાં ઢોરોનો આતંક યથાવત, મહિલા ગાયના હુમલામાં માંડ-માંડ બચી

સંકેત પટેલ (અરવલ્લી): રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી રખડતાં ઢોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. અવારનવાર સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ કરવામાં આવતી રજૂઆતો છતાં રખડતાં ઢોરોનો આતંક ખતમ નથી થઈ રહ્યો. તો બીજી બાજુ રોજેરોજ રાજ્યના કોઈને કોઈ શહેર કે ગામમાં પશુઓ દ્વારા હુમલો કરવાની ઘટનાઓ સામે આવતી રહે છે. તો હવે, ફરી એક વાર એક મહિલા રખડતાં ઢોરના હુમલાનો શિકાર બની છે. મોડાસાથી એક મહિલા પર પશુ દ્વારા કરવામાં આવેલ હુમલાની ઘટના સામે આવી છે જેમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે.

છેલ્લા કેટલાય સમયથી રાજ્યનું કોઈપણ શહેર હોય કે ગામ, રખડતા પશુઓનો ત્રાસ દરેક જગ્યાએ એક સરખો જોવા મળી રહ્યો છે. ઢોરોનો આતંક નિયંત્રણમાં લાવવા દરેક જગ્યાએ તંત્ર નિષ્ફળ રહ્યું છે. ત્યારે આવી જ પશુઓના હુમલાની એક ઘટના મોડાસા શહેરમાં સામે આવી છે. મોડાસા શહેરમાં આવેલ બાયપાસ રોડ પર આજે સવારે એક દંપતિ બુલેટ પર જઈ રહ્યું હતું. તેની પાછળ એક ગાય દોડે છે.

અચાનક ગાય દ્વારા હુમલો કરાતા બચવા માટે બુલેટ ચાલકે બ્રેક મારી છતાં પશુએ બુલેટ પાછળ બેસેલી મહિલાને બુલેટ પરથી પાડી દઈ તેના શિગડા માર્યા હતા. મહિલાને બચાવવા તેના પતિ સહિત આસપાસના અનેક લોકો દોડી આવ્યા. પરંતુ, પશુ એટલી હદે આક્રમક હતું કે મહિલાને સતત ઇજા પહોંચાડતું રહ્યું. આખરે, બાજુમાં આવેલ પેટ્રોલપંપના કર્મચારીએ લાકડીથી મહિલાને પશુની ચૂંગલમાંથી છોડાવી હતી.

મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. મોડાસા શહેરમાં પશુ હુમલાની આ પહેલી ઘટના નથી, શહેરમાં ઠેર ઠેર પશુઓના ટોળે ટોળા જોવા મળે છે અનેક નિર્દોષ રાહદારીઓ અને વાહનચાલકો એના ભોગ બને છે. પરંતુ, તંત્ર આ બાબતે કોઈ નક્કર કામગીરી નથી કરી રહ્યું. પશુ માલિકો પણ આ રીતે પશુઓને રખડતા મૂકી દે છે. ત્યારે, તંત્ર અને પશુ માલિકો એ આ બાબતે નક્કર કામગીરી કરી આ પ્રકારના પશુ હુમલાઓ અટકાવવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ.