June 29, 2024

સાઉદીમાં મહિલાઓને મળી આઝાદી, ડેટિંગ એપ પર શોધી રહી છે પાર્ટનર

Saudi Arabia News: સાઉદી અરેબિયા જેણે પોતાને કટ્ટર ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે સ્થાપિત કર્યું છે તે હવે પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. સાઉદી અરેબિયા હવે તેના દેશની યુવા વસ્તીને એવા બંધનોમાંથી મુક્ત કરી રહ્યું છે જે અગાઉની પેઢીઓને તેમના સપનાને પ્રાપ્ત કરવામાં અટકાવી રહી હતી. 20મી સદીના સાઉદી અને આજના સાઉદી વચ્ચે મોટો બદલાવ આવ્યો છે. પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના કારણે આજે સાઉદી અરેબિયામાં મહિલાઓ ઘરની બહાર પુરુષોને મળી શકે છે. સાઉદી અરેબિયાએ દેશમાં મહિલાઓને અનેક સામાજિક બંધનોમાંથી મુક્તિ આપી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં સાઉદી અરેબિયામાં મહિલાઓને ઘણા અધિકારો મળ્યા છે. મહિલાઓને વાહન ચલાવવાનો અધિકાર, શિક્ષણનો અધિકાર અને મુસાફરીની પસંદગીમાં સ્વતંત્રતા મળી છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના હાથમાં દેશની સત્તા આવ્યા બાદ તેમણે મોટા ફેરફારો કર્યા છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, સાઉદીમાં વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી 36 ટકા સુધી પહોંચી ગઈ છે. જ્યારે 2017માં તે અડધી હતી. સાઉદી અરેબિયામાં 21 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને હવે ઘરની બહાર જવા લગ્નની નોંધણી કરવા અથવા પાસપોર્ટ મેળવવા માટે પુરૂષ સંબંધી પાસેથી પરવાનગી લેવાની જરૂર નથી.

આ પણ વાંચો: ભારતમાં દવાઓની તપાસ પર આવ્યો એવો રિપોર્ટ કે અમેરિકામાં મચી બબાલ

વિઝન 2030 હેઠળ સાઉદીમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે
વોશિંગ્ટન સ્થિત આરબ ગલ્ફ સ્ટેટ્સ ઈન્સ્ટિટ્યૂટના રેસિડેન્ટ સ્કોલર ક્રિસ્ટિન સ્મિથ દિવાને કહ્યું કે મહિલાઓને સાર્વજનિક સ્થળોએ જવાની છૂટ મળ્યા બાદ સાઉદીમાં મોટો ફેરફાર થયો છે. જેના કારણે પારિવારિક જીવનમાં પરિવર્તન જોવા મળ્યું છે. સાઉદીની યુવા પેઢી જીવનસાથીની શોધમાં ડેટ કરી રહી છે. સાઉદી અરેબિયામાં આ ઐતિહાસિક પરિવર્તન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિઝન 2030થી પ્રેરિત છે. આ વિઝન વર્ષ 2016માં શરૂ કરવામાં આવ્યું હતું. જેને એક ટ્રિલિયન ડૉલરના માસ્ટર પ્લાન તરીકે જોવામાં આવે છે.

મહિલાઓની વધતી ભાગીદારી
વોશિંગ્ટનમાં સાઉદી-અમેરિકન કમિટિ ઓન પબ્લિક રિલેશન્સના સ્થાપક અને અધ્યક્ષ સલમાન અલ અન્સારીએ જણાવ્યું હતું કે કટ્ટરવાદી વિચારધારા ધરાવતા કેટલાક સાઉદીઓ આ ફેરફારો પછી ચિંતિત છે. પરંતુ મોહમ્મદ બિન સલમાન દેશની યુવા પેઢીને દુનિયા સાથે આગળ વધવા માટે સક્ષમ બનાવવા માટે આ ફેરફારોને જરૂરી માને છે. સાઉદી સમાજમાં મહિલાઓને મળી રહેલા પ્રોત્સાહન બાદ હવે લોકો તેમની દીકરીઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સાઉદી અરેબિયામાં એક મોટું સામાજિક પરિવર્તન થઈ રહ્યું છે. આ કારણે હવે સાઉદીના વિકાસમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે.