August 22, 2024

નર્મદાના કરજણ ડેમમાં નવા નીરની આવક, 3 દરવાજા ખોલતા 9 ગામોમાં અપાયું એલર્ટ

પ્રવીણ પટવારી, નર્મદા: નર્મદાના કરજણ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ભરૂચ નર્મદાની જીવાદોરી ગણાતા કરજણ ડેમમાં સીઝનમાં પહેલી વાર ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. કરજણ ડેમમાં નવા નીરની આવક થતા ડેમના ત્રણ ગેટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ડેડીયાપાડા અને સાગબારા માં 6 ઇંચ જેટલો ભારે વરસાદ પડતાં કરજણ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે.

કરજણ ડેમનું વોટર લેવલ સરકાર દ્વારા નિયત કરેલ રૂલ લેવલ મુજબ જાળવવાનું હોય છે. જેને પગલે આજે સવારે 11.05 કલાકે ડેમની સપાટી 105.72 મીટર પહોંચી હતી. જળાશયનું રૂલ લેવલ તા. 1/8/24ના રોજ 107.55 મીટર જાળવવા માટે 12 કલાકે ડેમના 3 દરવાજા 2.80.મીટર ખોલવામાં આવ્યાં હતા. કરજણ ડેમમાંથી 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કરજણ ડેમના ત્રણ દરવાજા ખોલી દેવામાં આવતા કરજણ નદી હાલ બે કાંઠે વહી રહી છે.

કરજણ ડેમમાંથી 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા કરજણ નદીના કાંઠા વિસ્તારના 9 ગામોને સાવચેતીના ભાગ રૂપે એલર્ટ કરવામાં આવ્યા છે. તો સાથે સાથે, વહીવટી તંત્રને પણ સેન્ડબાય કરાયું છે. જેમાં એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોને પણ સેન્ડબાય કરવામાં આવી છે.