નર્મદામાં ડૂબેલા લોકોમાંથી એકનો મૃતદેહ મળ્યો, પરિવાજનોએ કહ્યું – ખનિજ માફિયાઓ સામે કાર્યવાહી કરો
નર્મદાઃ પોઇચા પાસેની નર્મદા નદીમાં એક પરિવાર સહિત કુલ 7 લોકો ડૂબી જવાની દુર્ઘટના બની હતી. જેમાંથી NDRFની ટીમે એક વ્યક્તિનો મૃતદેહ શોધી કાઢ્યો છે. જ્યારે અન્ય 6 લોકોનાં મૃતદેહ શોધવાની કામગીરી હાલ ચાલુ છે. સ્થાનિક તરવૈયાઓ સહિત NDRFની ટીમે ગઈકાલે રાત્રે 12 વાગ્યા સુધી શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ વહેલી સવારથી ફરી શોધખોળ ચાલુ કરવામાં આવી છે.
તો બીજી તરફ, ખનન માફિયાને લઈને પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનો આક્રોશભેર જણાવે છે કે, ‘રેતી માફિયાને કારણે અમારા પરિવારજનોના જીવ ગયા છે. મોટા મોટા ખાડા પાડી રેતી ઉલેચે છે. સરકાર પણ આવા લોકો સામે લાલ આંખ કરે.’ આમ પરિવારજનોએ સરકાર પાસે ખનન માફિયાઓ સામે આકરા પગલાં લેવાની માગ કરી છે.
આ પણ વાંચોઃ મહિલા પર દુષ્કર્મ ગુજારનારા વાઘોડિયાના પૂર્વ MLAના પૂર્વ PA રાજેશ ગોહિલની ધરપકડ
ન્હાવા પડેલો પરિવાર સહિત 8 લોકો ડૂબ્યાં હતા
સુરતમાં રહેતા 8 પ્રવાસીઓ પોઇચા નદીમાં ડૂબ્યા હતા. નર્મદા નદીમાં ન્હાવા પડ્યા હતા ત્યારે તેમની સાથે દુર્ઘટના બની હતી. ત્યારે 3 બાળકો સહિત કુલ 8 લોકો નર્મદા નદીમાં ડૂબ્યા હતા. સ્થાનિકોએ એક વ્યક્તિને ડૂબતા બચાવ્યો હતો. જ્યારે આ ઘટનાની જાણ થતા જ રાજપીપળા ટાઉન પોલીસ સહિત ફાયર વિભાગે તમામ ડૂબેલા લોકોની શોધખોળ હાથ ધરી હતી.
ડૂબેલાં લોકોનાં નામ
- ભરત બલદાળીયા
- મેઘા ભરત બલદાળીયા
- આર્ણવ ભરત બલદાળીયા
- મેત્રક્ષ ભરત બલદાળીયા
- વ્રજ હિંમતભાઈ બલદાળીયા
- આર્યન રાજુભાઈ જીંજાળા
- ભાર્ગવ અશોકભાઈ હદીયા
- ભાવેશ વલ્લભભાઈ હદીયા