July 2, 2024

Narmadaમાં પાણી વધતા સરદાર સરોવરના ડેમની સપાટી 123 મીટરે પહોંચી

નર્મદાઃ ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર છે. ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી નર્મદા નદીમાં નવા નીરની આવક થઈ છે અને તેને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. જો કે, હજુ તો ઉનાળો પૂર્ણ નથી થયો અને આજે પણ 41થી 44 ડિગ્રી તાપમાન રહે છે. જો કે, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં વીજ ઉત્પાદન થતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે.

ત્યારે આજે નર્મદા ડેમની સપાટી 123.98 મીટર પર પહોંચી છે અને નર્મદા ડેમની દરવાજાની મહત્તમ સપાટી 121.92 મીટર છે અને જેની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જો કે, હાલ ઉપરવાસમાંથી 1 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. તેને લઈ હાલ મેઇન કેનાલમાં 20 હજાર ક્યુસેક પાણી ગુજરાત માટે આપવામાં આવી રહ્યું છે. ત્યારે એક વાત પાક્કી છે કે, નર્મદા ડેમ આ વર્ષે વહેલા મહત્તમ સપાટીએ પહોંચે તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા. આ વચ્ચે હવે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત શહેરમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમી બાદ સુરતમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ સિવાય પંચમહાલમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યારે કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધીમેધારે વરસાદ પડ્યો હતો. મલાવ, મધવાસ, સણસોલી, દેલોલમાં વરસાદ વરસ્યો હતો. ધીમીધારે વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી.