નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમાને લઈને વિવાદ, સાધુ-સંતો અને તંત્ર સામસામે
નર્મદાઃ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીની ઉત્તરવાહિની પરિક્રમાને લઈને સાધુ-સંતોએ ઉગ્ર રજૂઆત કરી છે. સાધુ-સંતો સહિત વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળે માગ કરી છે કે, પરિક્રમાનો રૂટ જૂનો જ રાખવામાં આવે.
નર્મદા નદીમાં નાવડીઓ નહીં મૂકવા અંગે તંત્રની સહમતિ બાદ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. વડોદરાની હરણી બોટ દુર્ઘટનાને લઈને તંત્ર જોખમ લેવા માગતી નથી. લોકસભા ચૂંટણી સમયે દુર્ઘટના બને તો વિપક્ષને મુદ્દો મળી જાય અને તેને લઈને રાયનો પહાડ બનાવવામાં આવે તેથી તંત્ર કોઈ જોખમ લેવા માગતું નથી.
એટલું જ નહીં, જો બોટ મૂકવામાં નહીં આવે તો રૂટ લાંબો થઈ જશે. તેને કારણે સાધુ-સંતોએ જૂના રૂટની વ્યવસ્થા ચાલુ રાખવા અને ત્યાં બોટની વ્યવસ્થા કરવા માટે માગણી કરી છે.
ગત વર્ષે 10 લાખ લોકોએ નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા કરી હતી. જ્યારે આ વર્ષ 20 લાખ લોકો પરિક્રમા કરવા માટે આવે તેવી શક્યતા છે. ત્યારે પરિક્રમાવાસીઓની વધતી ભીડને લઈને તંત્ર પણ ચિંતામાં મૂકાયું છે. એક મહિનો ચાલનારી આ પંચકોશી પરિક્રમામાં લાખો ભક્તો ઉમટે છે. જ્યારે રજાના દિવસોમાં એક દિવસમાં 3 લાખથી વધુ પરિક્રમાવાસીઓ આવે છે.