September 8, 2024

“ગોધરામાં ચોરી થતાં પહેલા જ રોકી દેવાઈ હતી”, NEET પેપર લીક મામલે જલારામ સ્કૂલના વકીલનો દાવો

દશરથસિંહ, પંચમહાલ: ગોધરા NEET પેપર લીક મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગોધરાના પડધરીની જલારામ સ્કૂલના ધરપકડ કરાયેલ ટ્રસ્ટીના વકીલનો પેપર લીકને લઈને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. પડધરીની જલારામ સ્કૂલના મુખ્ય ટ્રસ્ટી દીક્ષિત પટેલના વકીલે ખુલાસો કરતાં દાવો કર્યો છે કે ગોધરામાં પેપર લીક થયું જ નથી. ચોરી થાય તે પહેલા જ રોકી દેવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટમાં થયેલ સુનાવણીને ટાંકીને ટ્રસ્ટી દીક્ષિત પટેલના વકીલે ખુલાસો કરતાં કહ્યું હતું કે NEET મામલે ગોધરા અને અન્ય રાજ્યોના કેસ તદ્દન અગલ છે. ગોધરા માં ચોરી થતા પહેલા જ રોકી લેવાઈ છે. જ્યારે અન્ય રાજ્યોમાં ચોરી અને પેપર લીક થયું હોવાનું સ્પષ્ટ થઈ ચૂક્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં થયેલ સુનાવણી દરમિયાન સામે મોટું અપડેટઆવ્યું છે. જે મુદ્દાને ટાંકીને આ આખો કેસ ઉભો કરોયો છે તે મુદ્દો જ નહી હોવાનો તર્ક કર્યો હતો.

વકીલ પરિમલ પાઠકે વધુમાં કહ્યું હતું કે બહારના રાજ્યોના ઉમેદવારો દ્વારા ગોધરા સેન્ટર પસંદ કરવામાં આવ્યું છે. તેને ગોધરાના કેસનો મુખ્ય મુદ્દો બનાવવામાં આવ્યો હતો. પરંતુ સેન્ટર પસંદગીની વૈકલ્પિક વ્યવસ્થામાં છેલ્લે NTA દ્વારા જ કેન્ડીડેટના સેન્ટર નક્કી કરવામાં આવતા હોવાનુ સુપ્રીમની સુનાવણી દરમિયાન સ્પષ્ટ થયું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે ગોધરાનો નીટ મામલો અલગ હોઈ સમગ્ર કેસમાં માત્ર ચોરીની કોશિશ થઇ હતી. માત્ર વાલીઓને લાલચ આપી પૈસાની લેવડદેવડ કરવા બાબતની જ હકીકત છે. જે ગોધરા નીટ મામલે પકડાયેલ આરોપીઓ માટે રાહતની વાત છે.