June 30, 2024

UGC-NETની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે, ’અમારા માટે વિદ્યાર્થીઓનું હિત સર્વોપરી’

UGC-NET Exam Cancellation: હાલમાં દેશમાં બે પરીક્ષાઓને લઈને સૌથી વધુ હોબાળો ચાલી રહ્યો છે. મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાયેલી NEET પરીક્ષામાં ગોટાળાના આક્ષેપો થયા છે. તેને રદ કરવાની માંગ ઉઠી છે. તો બીજી બાજુ, નીટ પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી ‘નેશનલ ટેસ્ટિંગ એજન્સી’ (NTA) એ UGC-NET પરીક્ષા રદ કરી છે. હવે શિક્ષણ મંત્રાલયે કહ્યું છે કે UGC-NET પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ પેપરમાં પણ ગેરરીતિઓ અંગે માહિતી મળી હતી.

પેપર લીક અને UGC-NET પરીક્ષા રદ કરવા અંગે ગુરુવારે (20 જૂન) શિક્ષણ મંત્રાલય દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી ગોવિંદ જયસ્વાલે જણાવ્યું હતું કે UGC-NETની પરીક્ષા ફરીથી લેવામાં આવશે. વિદ્યાર્થીઓનું હિત અમારા માટે સર્વોપરી છે. આ વર્ષે UGC-NET પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 9 લાખ હતી. હાલ આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. તે UGC-NET કેસમાં તપાસ કરવા જઈ રહી છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.