નવતર પ્રયોગ: Surat ટ્રાફિક પોલીસ AC વાળા હેલ્મેટ પહેરીને હવે ફરજ બજાવશે
અમિત રૂપાપરા, સુરત: ગરમીના માહોલ વચ્ચે સુરત શહેર ટ્રાફિક પોલીસના જવાનો ખડે પગે ફરજ બજાવતા રહ્યા હતા. આ ટ્રાફિક જવાનોને ગરમીમાંથી રાહત મળે અને તેઓ પોતાનો સ્વાસ્થ્ય જાળવી શકે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રયોગ અંતર્ગત બે AC વાળા હેલ્મેટ સુરત શહેર પોલીસ દ્વારા મંગાવવામાં આવ્યા છે. આ AC વાળા હેલ્મેટ પહેરીને હવે ટ્રાફિક પોલીસ જો ફરજ બજાવશે તો તેમને તડકાતી રાહત મળશે અને સિંગલ ચાર્જમાં 8 થી 10 કલાક જેટલો સમય આ એસી વાળું હેલ્મેટ ચાલશે.
સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પ્રાયોગિક ધોરણે ટ્રાફિકના જવાનોને બેટરી સંચાલિત એસી વાળા હેલ્મેટ આપવામાં આવ્યા છે. જેથી કોઈપણ પોઇન્ટ પર ગરમીના વાતાવરણમાં ટ્રાફિક પોલીસ કર્મચારી આ હેલ્મેટ પહેરીને ફરજ બજાવે તો તેને ગરમીથી રાહત મળી રહે. ટ્રાફિક પોલીસ દ્વારા જે બે હેલ્મેટ પ્રાયોગિક ધોરણે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે તે બેટરી સંચાલિત છે અને એક વખત ચાર્જ કર્યા બાદ 8 કલાક સુધી તે ઠંડી હવા આપી શકે છે.
હેલ્મેટના ઉપરના ભાગમાંથી ઠંડી હવા સતત પસાર થતી રહે છે અને આ ઠંડી હવા શરીરના તાપમાનને મેન્ટેન કરવામાં પણ મદદ કરે છે. જેથી ગરમીના વાતાવરણમાં પણ ટ્રાફિક પોલીસના શરીરનું તાપમાન જળવાઈ રહે અને ગરમીથી તેમને રક્ષણ મળી શકે.હાલ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે બે હેલ્મેટની ખરીદી કરવામાં આવી છે. તેનો પ્રયોગ સફળ થશે તો આગામી દિવસોમાં અન્ય ટ્રાફિક પોઇન્ટ પર ગરમીના માહોલમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી માટે પણ આ એસી વાળા હેલ્મેટ મંગાવવામાં આવશે જેથી કરીને ગરમીના માહોલ વચ્ચે ફરજ બજાવતા ટ્રાફિક કર્મચારીઓ પણ પોતાનું આરોગ્ય જાળવી શકે.