November 2, 2024

રાજ્યમાં 14 લાખ લોકોના નવા મતદાર કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા

મલ્હાર વોરા, ગાંધીનગર: ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો પર પેટાચૂંટણી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આખરી તૈયારીઓ ચાલી રહી છે. મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-2024 તેમજ ત્યાર બાદ આવેલી અરજીઓ પૈકી 14 લાખથી વધુ ફોટો ઓળખકાર્ડ (EPIC)નું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

આગામી લોકસભાની ચૂંટણીને લઈને દેશમાં લોકશાહીના પર્વમાં સૌ કોઈ ઉત્સાહ પૂર્વક જોડાય તે માટે ચૂંટણીપંચ દ્રારા મતદાન જાગૃતિ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, મહિલાઓની મતદાનની સહભાગિતા વધારવા રાજ્યભરમાં બુથ લેવલે બેઠકો યોજી તેમને મતદાન માટેની આમંત્રણ પત્રિકા આપવામાં આવશે. યુવા મતદારોને પ્રોત્સાહિત કરવા કેમ્પસ એમ્બેસેડર્સ સાથે ઑનલાઈન મીટ યોજવામાં આવી હતી. સાથે સાથે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ આયોજિત થનાર આઇપીએલની મેચ દરમિયાન વિવિધ માધ્યમોથી મતદાન જાગૃતિની બહુવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે.

આ વાંચો: ગાંધીનગર મનપા બનશે કોંગ્રેસ મુક્ત, કોંગ્રેસના બે કોર્પોરેટરે આપ્યું રાજીનામું

રાજ્યમાં મતદારો વધુમાં મતદાન કરી શકે તે માટે ચૂંટણીપંચ દ્રારા હાલ જે મતદારોના ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયા છે અથવા તો તેમને ચૂંટણી કાર્ડ કઢાવ્યા નથી તેવા લોકોને નવા કાર્ડ કાઢી આપવાની પ્રકિયા તેજ કરી છે. મતદાર ફોટો ઓળખકાર્ડનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-2024 અંતર્ગત સપ્ટેમ્બર-2023ના ત્રીજા અઠવાડિયાથી ડિસેમ્બર-2023ના બીજા અઠવાડિયા દરમિયાન મતદારયાદીમાં સુધારણા માટે મળેલી અરજીઓ પૈકી મંજુર થયેલા 13 લાખથી વધુ મતદાર ફોટો ઓળખકાર્ડ તથા ગત ડિસેમ્બર-2023ના ત્રીજા અઠવાડિયાથી ફેબ્રુઆરી-2024ના ત્રીજા અઠવાડિયા દરમિયાન મતદાર યાદીમાં સુધારણા માટે મળેલી અરજીઓ સંદર્ભે મંજુર થયેલી કુલ 4.4 લાખ અરજીઓ પૈકી 1.4 લાખ મતદાર ફોટો ઓળખકાર્ડનું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જ્યારે બાકી રહેલા 2.9 લાખ મતદાર ફોટો ઓળખકાર્ડ નું વિતરણ તા. 20 એપ્રિલ, 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલથી રાજકીય પક્ષોને EVM મશીનની જાણકારી આપવામાં આવશે
આગમી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો ચૂંટણી દરમિયાન EVMની કાર્યક્ષમતા સમક્ષ વાંધો ન ઉઠાવે તે હેતુસર આગમી 4 એપ્રિલ થી 8 એપ્રિલ સુધીમાં રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં EVM નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવશે. ફર્સ્ટ રેન્ડમાઇઝેશન બાદ રેન્ડમાઇઝ્ડ EVMની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવશે. સાથે જ રેન્ડમાઇઝ્ડ EVM જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા તેઓના જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવશે. જ્યાં સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા EVM નો વિધાનસભા મતવિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં નિયત પ્રોટોકૉલ મુજબ સંગ્રહ કરવામાં આવશે.