ન્યૂઝ કેપિટલનું રિયાલિટી ચેક, અમદાવાદની આ શાળામાં એક જ શિક્ષક!
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ ‘સૌ ભણે… સૌ આગળ વધે’ના બણગા ફૂંકતી સરકારની વાસ્તવિકતા કંઇક અલગ જ જોવા મળી રહી છે. સરકારે વિઘાનસભામાં જે આંકડાઓ રજૂ કર્યા છે તે અચંબિત કરી દે તેવા છે. સરકારે વિધાનસભામાં કબૂલ્યું છે કે, હાલમાં 1600થી વધુ શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષક છે. તેમાં છોટા ઉદેપુરમાં સૌથી વધુ શાળાઓ એવી છે જેમાં એક શિક્ષકથી જ શૈક્ષણિક કાર્ય કરાવવું પડી રહ્યું છે. જ્યારે અમદાવાદની સ્થિતી પણ સારી નથી.
રાજ્ય સરકાર દ્વારા પ્રવેશોત્સવ, ગુણોત્સવ સહિતના ઉત્સવો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે. પરંતુ રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં સુધાર લાવી શકાયો નથી. વિધાનસભામાં ખુદ શિક્ષણમંત્રીએ આ વાતનો સ્વીકાર કર્યો કે, રાજ્યની 1606 શાળાઓમાં શિક્ષકો નથી. આ શાળાઓમાં એક શિક્ષકથી કાર્ય કરવું પડી રહ્યું છે. શિક્ષકો ન હોવાને કારણે બાળકોના શિક્ષણ પર તેની અસર પડી રહી છે. છોટા ઉદેપુરમાં સૌથી વધુ શાળાઓ એવી છે જેમાં એક જ શિક્ષકથી શૈક્ષણિક કાર્ય કરાવવું પડી રહ્યું છે. 283 જેટલી શાળાઓ એવી છે જેમાં એક જ શિક્ષક હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.
રાજ્યના અન્ય જિલ્લાની પરિસ્થિતિ પણ કંઈ સારી નથી. રાજ્યના સૌથી મોટા અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ શિક્ષકોની ઘટની અસર વિદ્યાર્થીઓ પર પડી રહી છે. અમદાવાદ શહેરની 4 એવી એએસી સ્કૂલ બોર્ડની શાળાઓ છે જેમાં એક જ શિક્ષક છે. તો બીજી તરફ અમદાવાદ ગ્રામ્યમાં પણ 17 જેટલી શાળાઓમાં એક જ શિક્ષક છે.
અમદાવાદ શહેરની વાત કરવામા આવે તો, અસારવા પબ્લિક સ્કૂલ, બાગ-એ-ફિરદોશ પબ્લિક સ્કૂલ, ઇન્દીરાનગર પબ્લિક સ્કૂલ, નવા વાડજ પબ્લિક સ્કૂલ, કુબેરનગર પબ્લિક સ્કૂલ, શીલજ પબ્લિક સ્કૂલ, નવા વણઝાર પબ્લિક સ્કૂલોમાં પણ આવી જ હાલત છે. આ સાથે સાણંદ, ધોલેરા, ધંધુકા, દસ્ક્રોઇ, વિરમગામ, સાણંદ, માંડલની સ્કૂલોમાં પણ એક જ શિક્ષક હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે ન્યૂઝ કેપિટલ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં શિક્ષકોને લઇને રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં મોટા ભાગની સ્કૂલોમાં શિક્ષકો ન હોવાનું સામે આવ્યું હતું. ન્યૂઝ કેપિટલ ટીમ જ્યારે સ્કૂલમાં પહોંચી ત્યારે શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓ સેલ્ફ સ્ટડી કરતા નજરે પડ્યા હતા. ધોરણ 5થી 8માં એક જ શિક્ષક ભણાવતા હોવાનું સામે આવ્યું. આ મામલે વાલીએ જણાવ્યુ હતુ કે, સ્કૂલોમાં કાયમી શિક્ષકો ન હોવાને કારણે તેમના બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. આ સાથે સ્કૂલોમાં ઓરડાઓની પણ અછત હોવાને કારણે એક સાથે બે-બે ધોરણના વિદ્યાર્થીઓએ એક જ ક્લાસમાં બેસવાની ફરજ પડી રહી છે.
સ્કૂલોમાં શિક્ષકોની ઘટને લઇને આચાર્યએ જણાવ્યુ હતુ કે, ‘સ્કૂલોમાં એક તરફ શિક્ષકોની અછત છે તો બીજીતરફ શિક્ષકોની ટ્રેનિંગ હોવાથી શિક્ષકો શૈક્ષણિક કાર્ય કરાવી શકતા નથી. એકસાથે તમામ શિક્ષકોની ટ્રેનિંગ આયોજીત કરવામાં આવી છે. જેને કારણે શૈક્ષણિક કાર્યને પણ અસર પડી રહી છે. એક જ વિસ્તારમાં આવેલી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી હોવા છતાં એક સ્કૂલમાં પૂરતા શિક્ષકો હોય તો બીજી શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. જેને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસને અસર પડી રહી છે.’
તો બીજી તરફ સ્કૂલબોર્ડના શાસનાધિકારીએ પોતાનો લૂલો બચાવ કરતા જણાવ્યું છે કે, સરકાર દ્વારા ગત વર્ષે 750થી વધુ શિક્ષકોની ફાળવણી કરાવવામાં આવી હતી અને જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી લાયાકત ધરાવતા શિક્ષકોની હંગામી ભરતી પણ કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ન બગડે.
રાજ્યની સ્કૂલોમાં શિક્ષકોની તો અછત જોવા મળી જ રહી છે. પરંતુ ઓરડાંઓની પણ ઘટ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદની 133 સરકારી સ્કૂલોમાં 775 ઓરડાઓની ઘટ હોવાનું સામે આવ્યું છે.