October 1, 2024

મંદિર હોય કે દરગાહ, કોઈપણ ધાર્મિક ઇમારત અડચણ ન બની શકે’: બુલડોઝર એક્શન પર સુપ્રીમ ટિપ્પણી

Supreme Court on Bulldozer Action: મંગળવારે 1 ઓક્ટોબર 2024ના રોજ સુપ્રીમ કોર્ટમાં બુલડોઝર એક્શન કેસને લઈને સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે જાહેર સુરક્ષા સર્વોપરી છે અને રસ્તાઓ, જળાશયો અથવા રેલવે ટ્રેક પર અતિક્રમણ કરતું કોઈપણ ધાર્મિક માળખું દૂર કરવું જોઈએ. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને બુલડોઝરની કાર્યવાહી અને અતિક્રમણ વિરોધી અભિયાન માટેના તેના નિર્દેશો તેના તમામ નાગરિકો માટે હશે પછી તે કોઈપણ ધર્મમાં માનતા હોય.

સુનાવણી દરમિયાન યુપી સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા પહોંચ્યા. જો કે, તેઓ મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું, “મારુ સૂચન છે કે રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા નોટિસ મોકલવાની વ્યવસ્થા હોવી જોઈએ. 10 દિવસનો સમય આપવો જોઈએ. હું કેટલીક હકીકતો જણાવવા માંગુ છું. અહીં એવી છબી ઊભી કરવામાં આવી રહી છે કે જાણે કોઈ એક સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો હોય.”

ગેરકાયદેસર બાંધકામ કોઈનું પણ હોય, કાર્યવાહી થવી જોઈએ’
સોલિસિટર જનરલ તુષાર મહેતાની દલીલ પર જસ્ટિસ ગવઈએ કહ્યું કે અમે આપણે ધર્મનિરપેક્ષ વ્યવસ્થામાં છીએ. ગેરકાયદે બાંધકામ હિંદુનું હોય કે મુસ્લિમનું… કાર્યવાહી થવી જોઈએ. તેના પર મહેતાએ કહ્યું કે વગતકહત, આવું જ થાય છે. ત્યારબાદ, જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે જો બે ગેરકાયદેસર બાંધકામો છે અને તમે ગુનાના આરોપના આધારે તેમાંથી માત્ર એકને તોડી પાડો છો, તો ચોક્કસ પ્રશ્નો ઉભા થશે. આ દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે જ્યારે હું મુંબઈમાં જજ હતો ત્યારે મેં જાતે જ ફૂટપાથ પરથી ગેરકાયદે બાંધકામો હટાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ આપણે સમજવું પડશે કે ગુનામાં આરોપી કે દોષિત હોવું એ ઘર તોડવા માટેનો આધાર ન હોઈ શકે. આને ‘બુલડોઝર જસ્ટિસ’ કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ટિશ્યૂ પેપરમાં 26 iPhone છુપાવીને આવી મહિલા, દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ઝડપી પાડી

10 દિવસનો સમય આપવાની વાત પર સોલિસિટરે વ્યક્ત કર્યો વાંધો
સોલિસિટર મહેતાએ કહ્યું કે નોટિસ દિવાલ પર ચોંટાડવામાં આવી છે. આ લોકો માંગ કરી રહ્યા છે કે આવું સાક્ષીઓની હાજરીમાં થવું જોઈએ. તેના પર જસ્ટિસ ગવઈએ કહ્યું કે જો નોટિસ બનાવટી થઈ શકે છે તો સાક્ષીઓ પણ બનાવટી હોઇ શકે છે. આ કોઈ સમાધાન નથી લાગતું. જસ્ટિસ ગવઈએ કહ્યું કે જો 10 દિવસનો સમય આપવામાં આવે તો લોકો કોર્ટનો સંપર્ક કરી શકશે. આ અંગે મહેતાએ કહ્યું કે હું નમ્રતાથી કહેવા માંગુ છું કે આ સ્થાનિક મ્યુનિસિપલ નિયમો સાથે ચેડાં હશે. આ રીતે ગેરકાયદે બાંધકામ દૂર કરવું મુશ્કેલ બનશે.

‘અમે એ જ ઉકેલ આપવા માંગીએ છીએ જે પહેલાથી કાયદામાં છે’
મહેતાની દલીલ સાંભળ્યા બાદ જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે કોઈ સ્થળે રહેતા પરિવારને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે 15 દિવસનો સમય આપવો જોઈએ. ઘરમાં બાળકો અને વૃદ્ધો પણ રહે છે. લોકો અચાનક ક્યાં જશે? આના પર મહેતાએ કહ્યું કે હું માત્ર એટલું જ કહું છું કે કોર્ટે એવો ઉકેલ ન આપવો જોઈએ જે કાયદામાં નથી. આ પછી જસ્ટિસ ગવઈએ કહ્યું કે અમે ફક્ત તે જ ઉકેલો આપવા માંગીએ છીએ જે પહેલાથી જ કાયદામાં છે. અમે રસ્તા, ફૂટપાથ વગેરે પર કરવામાં આવતા બાંધકામને કોઈ સુરક્ષા આપીશું નહીં.