ઉત્તર ગુજરાતમાં આવેલું પાંડવકાલિન શિવમંદિર, શિવલિંગ પર થાય છે અવિરત જળધારા
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ ઉત્તર ગુજરાતનું કાશ્મીર એટલે બાલારામ મહાદેવ મંદિર. પાલનપુરથી 12 કિલોમીટરના અંતરે પાંડવકાલીન બાલારામ મહાદેવ મંદિર આવેલું છે. આ જગ્યાએ શ્રાવણ માસમાં લાખો ભક્તોનું ઘોડાપુર ઉમટતું હોય છે.
પાલનપુરથી આબુરોડ તરફ જતા 12 કિલોમીટરના અંતરે આ પૌરાણિક શિવ મંદિર આવેલું છે. કહેવાય છે કે, હજારો વર્ષ પહેલાં યુગ પરિવર્તનના સમયે ભયંકર દુષ્કાળ પડ્યો હતો તે સમયે બાળસ્વરૂપે ભગવાન મહાદેવે બાળકોની સાથે રહી તેમને નવજીવન આપ્યું હતું અને ત્યારબાદ લિંગ સ્વરૂપે અહીંયા બિરાજમાન થયા છે. ચમત્કારીક બાલારામ મંદિરે પાંડવકાળ દરમિયાન પાંડવોએ પણ અહીંયા થોડો સમય વિતાવ્યો હોવાની દંતકથાઓ છે. આ પૌરાણિક શિવમંદિરે હજારો ભક્તો દર્શને આવે છે. જ્યારે પવિત્ર શ્રાવણ માસમાં અને મહાશિવરાત્રિના દિવસે ભક્તોનું જાણે ઘોડાપુર અહીંયા દર્શને ઉમટે છે.
અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે કુદરતના ખોળે આવેલું આ બાલારામ શિવ મંદિર લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે અને અહીંયા આવનારા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની ભક્તોમાં અનેરી શ્રદ્ધા છે. ભક્તો પોતાની સુખ-સમૃદ્ધિ અને દુઃખ દર્દ દૂર કરવા ભગવાન શિવ સમક્ષ પ્રાર્થના કરી શિશ ઝૂકાવે છે.
બનાસ નદીના કિનારે જ બાલારામ મહાદેવનું મંદિર આવેલું છે. અહીંયા અવિરત ગૌમુખમાંથી જલધારા ચાલુ છે. લોકો તેને સાક્ષાત ભગવાનનો ચમત્કાર માને છે. બનાસકાંઠા જ નહીં પરંતુ અમદાવાદ સહિત ગુજરાતભરના લોકો આ પાંડવકાલીન મંદિરના દર્શને પહોંચે છે. નદી કિનારે અને લીલી હરિયાળી વચ્ચે આવેલું આ શિવ મંદિર ભક્તિ સાથે લોકો માટે એક પિકનિક પોઈન્ટ તરીકે પણ ઉભરી રહ્યું છે. અહીંયા આવનારા દર્શનાર્થીને જાણે કુદરના ખોળે આવી બધા જ દુઃખ દર્દ ભૂલી ગયા હોય તેવો અહેસાસ થાય છે.
ઉલ્લેખનીય છે કે, હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને પવિત્ર મહિનો ગણવામાં આવે અને આ મહિનામાં ભગવાન શિવની આરાધના અને પૂજાનું વિશેષ મહત્વ છે. ત્યારે મહાશિવરાત્રિ નિમિત્તે પણ અહીંયા હજારો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. આ સાથે જ બાળકોને બાબરી ક્રિયા પણ અહીંયા કરવામાં આવે છે. બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલું ઉત્તર ગુજરાતના કાશ્મીર સમાન બાલારામ શિવ મંદિર પણ ભક્તિ સાથે પર્યટક સ્થળ તરીકે ખૂબ જ જાણીતું બન્યું છે અને અહીંયા આવનારા લોકો તેમની યાદો કયારેય ના ભૂલાવી શકે તેવો કુદરતી સૌંદર્યનો નજારો જોવા મળે છે અને ભક્તિસભર વાતાવરણ વચ્ચે લોકો અહી પ્રભુ ભક્તિમાં લીન થઈ જાય છે.