November 21, 2024

જામનગરના વૃદ્ધે પ્રકૃતિપ્રેમ સાર્થક કર્યો, 1500 વૃક્ષોનું કરી રહ્યા છે જતન

જામનગર: ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનું ખૂબ મહત્વ છે. હજારો વર્ષો પહેલા ભારતીય ઋષિ-મુનિઓએ માનવ જીવનના કલ્યાણ અને સુખ માટે પર્યાવરણ અને પ્રકૃતિના સાનિધ્યનું મહત્વ સમજ્યું હતું. ભારતીય સંસ્કૃતિનો આધાર વૈદિક યુગ રહ્યો છે અને તેનો પ્રાથમિક સ્ત્રોત વેદો છે. વેદોના અભ્યાસ પરથી જાણવા મળે છે કે પર્યાવરણના મહત્વ અને તેના રક્ષણ વિશે ઘણી જાગૃતિ હતી. ત્યારે લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં જ સમગ્ર રાજ્યમાં વન મહોત્સવની ઉજવણી તેમજ પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા “એક પેડ માં કે નામ” અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન થકી તેઓએ પ્રત્યેક ભારતીયોને પોતાની માતાના નામે એક વૃક્ષ વાવી તેનું જતન કરવાનો સંદેશ આપ્યો છે.

छायामन्यस्य कुर्वन्ति तिष्ठन्ति स्वयमातपे ।, फलान्यपि परार्थाय वृक्षाः सत्पुषा ईव ॥ અર્થાત એ બીજાને છાંયડો આપે છે અને પોતે ભર તડકે ઉભો રહે છે, ફળ પણ બીજાને માટે આપે છે, સાચે વૃક્ષ સત્પુરુષ સમાન છે. ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાગાજર ગામે રહેતા જીવાભાઇ ચીખલિયાએ પણ પ્રકૃતિના પરોપકારની ભાવના સમજી છે. અને પોતાનું નિવૃતિ જીવન પ્રકૃતિને સમર્પિત કર્યું છે. તેઓએ ગામના સીમાડે આવેલી જગ્યામાં 1500 જેટલા વૃક્ષોનું પૂજન કર્યા બાદ વાવેતર કરી ખરા અર્થમાં પોતાનો પ્રકૃતિપ્રેમ સાર્થક કર્યો છે. પ્રકૃતિનું રક્ષણ કરવુએ આપણી ફરજ છે.

જીવાભાઇ જણાવે છે કે, તેઓએ વર્ષ 2023માં શ્રાવણ માસમાં લીમડો, પીપળો, ઉંબરો જેટલા 1500 વૃક્ષોનું વનવિભાગની સહાયતાથી વાવેતર કર્યું છે. લીમડો આયુર્વેદિક દ્રષ્ટિએ ઘણો ગુણકારી છે, તો પીપળો ચોવીસ કલાક ઑક્સીજન આપે છે. ઉંબરાના ફળ પક્ષીઓ ખાઈ શકે છે. દરેક માણસે વૃક્ષોનું વાવેતર તો કરવું જ જોઈએ. જેથી કરીને પર્યાવરણમાં સુધાર આવે. મારા નિવૃત જીવનમાં મને વિચાર આવ્યો કે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો વાવવા છે જેથી આજુબાજુનું વાતાવરણ પણ સુધરે અને આવનારી પેઢીને પણ મદદરૂપ થાય.

ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લા કક્ષાના વનમહોસત્વ કાર્યક્રમમાં વન વિભાગ દ્વારા જીવાભાઇને અંગત રસ લઈને વૃક્ષારોપણ, વૃક્ષ ઉછેર અને તેની જાળવણી માટે યોગ્ય વ્યવસ્થા કરી સુંદર અને પ્રશંસનીય કામગીરી કરી સમાજમાં વૃક્ષ વાવેતર અને વૃક્ષ જતનનો સંદેશ પહોંચાડવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.