Pakistan: જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાઓ કરાવનાર ISI એજન્ટ આમિર હમઝા ઠાર મરાયો
Pakistan: પાકિસ્તાની સેનાના રિટાયર્ડ બ્રિગેડિયર અને 2018ના રોજ જમ્મુ કાશ્મીરના સુનજુવાન કેમ્પ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ આમિર હમઝાની સિક્રેટ શૂટર દ્વારા હત્યા કરવામાં આવી છે. તે પોતાના પરિવાર સાથે પંજાબ પ્રાંતના ઝેલમ જિલ્લામાં પોતાની કારમાં જઈ રહ્યો હતો. તે જ સમયે બે બાઇક પર આવેલ 4 અજ્ઞાત હુમલાખોરોએ લીલ્લાહ ઇન્ટરચેન્જ પાસે તેની કારને ઘેરી લઈને અંધાધૂંધ ફાયરિંગ કરી દીધું હતું. રિટાયર્ડ બ્રિગેડિયરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે આ હુમલામાં તેની પત્ની અને દીકરી ઘાયલ થયા છે.
2018 જમ્મુ કાશ્મીર આર્મી કેમ્પ પર કરાવ્યો હતો આતંકી હુમલો
આમિર હમઝાનું મોત થઈ ગયું હોવાનું સુનિશ્ચિત કર્યા બાદ શૂટર્સ ઘટના સ્થળેથી નીકળી ગયા હતા. પંજાબ પ્રાંતની પોલીસ આ ઘટનાને ટાર્ગેટ કિલિંગ ગણાવી રહી છે. રિટાયર્ડ બ્રિગેડિયર આમિર હમઝા ISIનો ખૂંખાર જાસૂસ અને ભારતનો મોટો દુશ્મન હતો. હમઝા 10 ફેબ્રુઆરી, 2018ના રોજ જમ્મુ કાશ્મીરના સુનજુવાન કેમ્પ પર કરવામાં આવેલ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. તેના જ નિર્દેશોમાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ આર્મી કેમ્પના ફેમિલી એરિયામાં ઘૂસી આવ્યા હતા.
અમેરિકાએ પણ જાહેર કર્યો હતો વૈશ્વિક આતંકી
આ આતંકીઓને ઠાર મારવામાં ભારતીય સેનાને ત્રણ દિવસ લાગ્યા હતા. આ આતંકી હુમલામાં ભારતીય સેનાના 6 જવાન પણ શહીદ થયા હતા. 26-11ના આતંકી હુમલાના આરોપોમાં પણ મૌલાના આમિર હમઝા મોસ્ટ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. વર્ષ 2012માં આમિર હમઝાને અમેરિકાએ વૈશ્વિક આતંકી પણ જાહેર કરવામાં આવ્યો હતો. આમિર હમઝા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગુજરાંવાલાનો રહેવાસી હતો. ત્યાંથી જ તે ભારત વિરોધી ગતિવિધિઓને સતત અંજામ આપી રહ્યો હતો.
હમઝાના ભાઈએ હત્યાને લઈને વ્યક્ત કર્યું ‘આશ્ચર્ય’
પાકિસ્તાની મીડિયા સાથે વાત કરતાં આમિર હમઝાના ભાઈ મોહમ્મદ અયૂબે કહ્યું છે કે બંદૂકધારીઓએ કોઈ લૂટપાટ કરી નથી. આમિર હમઝાની કોઇની સાથે કોઈ દુશ્મની નહોતી. તો કોઈ શું કામ તેમની હત્યા કરે, આને લઈને પરિવારના લોકો પણ આશ્ચર્યમાં છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનમાં બેઠેલ ભારતના દુશ્મનોનું રહસ્યમયી મોત થયું હોય. આ પહેલા પણ અનેક આતંકવાદીઓને આ જ રીતે મારવામાં આવ્યા છે.