June 23, 2024

Palanpurના 4 ગામો ગરમીથી પરેશાન, ભરઉનાળે 12 કલાકનો વીજકાપ!

પાલનપુરઃ વીજ કંપનીની આડોડાઈને કારણે પાલનપુર તાલુકાના 4 ગામો ગરમીથી પરેશાન છે. અંગ દઝાડતી 45 ડિગ્રી ગરમીમાં પાલનપુર તાલુકાના જગાણા સહિત આજુબાજુના ચાર ગામોમાં 12 કલાક જેટલો લાઈટકાપ આપી દીધો છે. ત્યારે એક આખું ગામ ઘરની બહાર નીકળી અને ગામમાં આવવા માટે મજબૂર બની ગયું છે. સવારે 6 વાગ્યાથી લાઈટ જવાના કારણે ગ્રામજનોને પાણી ભરવાના અથવા રોજિંદા કામ થઈ શક્યા નથી અને આવી આકરી ગરમીમાં હવે તાપ કેવી રીતે સહન કરવો એ પણ એક પ્રશ્ન છે.

પાલનપુર તાલુકાના જગાણા ગામમાં મોટાભાગના લોકો તમને ગામમાં જોવા મળે છે. કારણ કે, અહીં વીજ કંપની દ્વારા 12 કલાકનો લાઈટ કાપ મૂકવામાં આવ્યો છે. એટલે કે સવારે છ વાગે લાઈટ બંધ થઈ ગઈ હતી અને જેને કારણે લોકોને પીવાનું પાણી અથવા તો જેમના રોજિંદા કામો હોય છે તે થઈ શક્યા નથી. જ્યારે ગરમીનો પારો છે, વધતો જાય છે અને આજે ઓરેન્જ એલર્ટની પણ આગાહી છે. જેને કારણે લોકો હવે ગરમીથી બચવા માટે ઘરની બહાર નીકળી અને ગામમાં આવી ગયા છે. ત્યારે ગ્રામજનોનું માનવું છે કે, જો વીજ કંપનીને તેમના મેન્ટેનન્સના કામ કરવા હોય તો ઠંડા દિવસમાં અથવા શિયાળામાં કરવી જોઈએ. આવી અંગ દઝાડતી ગરમીમાં જો લાઈટ ન હોય તો લોકોની હાલત શું થાય. એક તરફ સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે કે, કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં ત્યારે તંત્ર જ લાઈટ કાપી નાખતું હોય તો લોકોને ઘરની બહાર નીકળવા માટે મજબૂર થવું પડે છે.

ગ્રામજનોની પણ માગણી છે કે, નાના બાળકો હોય, વૃદ્ધો હોય તેમને આ ગરમીને કારણે ખૂબ જ પરેશાન થવું પડે છે. જેથી મેન્ટેન્સનું કામ ત્વરિત કરી અને લાઈટ આપવામાં આવે અને ભવિષ્યમાં પણ જે મેન્ટેનન્સના કામ હોય એ ઠંડીના દિવસોમાં કરવામાં આવે. અત્યારે તો લાઈટકાપથી ગ્રામજનો પરેશાન થઈ ચૂક્યા છે અને વીજ કંપની અને સરકાર સામે આક્રોશ છે.