July 1, 2024

બકરી ચરાવવા ગયેલી ત્રણ કિશોરીઓના પાણીમાં ડૂબી જવાથી મોત

પંચમહાલઃ ઘોઘંબાના પીપળીયા ગામમાં ડૂબી જતાં ત્રણ માસૂમના મોત નીપજ્યા છે. બકરી ચરાવવા માટે ગયેલી ત્રણ કિશોરીઓમાંથી એકને તરસ લાગતા ખાડામાં પાણી પીવા જતા ઘટના બની છે.

મળતી માહિતી પ્રમાણે, કોતરમાં પાણી સંગ્રહ માટે બનાવેલા પાણીના ખાડાને કારણે આ ઘટના બની છે. એક કિશોરી ખાડામાં પાણી પીવા જતા પગ લપસતા અન્ય બે કિશોરીઓને બચાવવા જતા ત્રણેય પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાત બન્યું ડ્રગ્સનું હબ, સતત ચોથા દિવસે કરોડોનું ચરસ ઝડપાયું

ત્યારે આસપાસના લોકોને આ ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ત્રણેય કિશોરીઓને પાણીમાંથી બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરી હતી. ત્રણમાંથી એક કિશોરીની ઉંમર 5 વર્ષ હતી. જ્યારે અન્ય બે કિશોરી 12 વર્ષની હતી.

એક જ ફળિયા અને કુટુંબની ત્રણ માસૂમ કિશોરીઓના મોત નીપજતા ફળિયામાં શોક છવાઈ ગયો છે. તેમના પરિવારજનોને માથે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.