November 25, 2024

સુરતના પરેશભાઈ પટેલ સ્પેરો વિલા બનાવી 6 વર્ષથી ચલાવે છે ‘ચકલી બચાવો અભિયાન’

અમિત રૂપાપરા, સુરત: વર્તમાન સમયમાં ચકલીઓ લુપ્ત થતી જાય છે, ત્યારે સુરતના એક વ્યક્તિએ ચકલી માટે સ્પેરો વિલા તૈયાર કરી છેલ્લા છ વર્ષથી તેને ફ્રીમાં લોકોને આપે છે. અત્યાર સુધીમાં 1 લાખ કરતા પણ વધારે લોકોને આ સ્પેરો વિલા તેમને વિનામૂલ્ય આપ્યા છે. જીવનભર તેઓ ચકલી બચાવો અભિયાન અંતર્ગત લોકોને ફ્રીમાં આપશે.

ઉત્તરાયણમાં અલગ અલગ સંસ્થાઓ પક્ષી બચાવો અભિયાન માટે કાર્ય કરતી હોય છે, પરંતુ સુતરના પરેશભાઇ પટેલ એકલા હાથે આ કાર્યને સતત જીવંત રાખ્યું છે. વર્તમાન સમયમાં ચકલી ખૂબ જ ઓછી દેખાય છે, ત્યારે પરેશભાઈ 6 વર્ષ પહેલા ચકલી બચાવો અભિયાનની શરૂઆત કરી અને ચકલી કઈ કઈ જગ્યા પર અને કઈ રીતે માળો બનાવે છે તે બાબતે થોડા સમય ઓબ્ઝર્વેશન કર્યુ. ત્યારબાદ માળા બનાવવાની શરૂઆત કરી. જેમાં શરૂઆતમાં એક બે ડિઝાઇન જે માળાની બનાવવામાં આવી હતી. તેમાં નિષ્ફળતા મળ્યા બાદ સ્પેરો વિલાની ડિઝાઈન ફાઈનલ થઈ. મહત્વનું છેકે, આ સ્પેરો વિલા ઘરમાં લગાવતા જ બીજા કે ત્રીજા દિવસે ચકલીઓ તેમાં માળો બનાવવાની શરૂઆત કરે છે.

શરૂઆતમાં દર રવિવારે ચકલીના માળા બનાવવામાં આવતા હતા. સેવાભાવી કાર્યકર્તાઓ સાથે મળીને દર રવિવારે 50 જેટલા માળા તૈયાર થતા હતા અને આ માળાઓનું લોકોને વિતરણ કરતા હતા. જેથી ચકલીઓને બચાવી શકાય. અભિયાનની શરૂઆતથી જ લોકોએ ખૂબ સારો સહકાર આપ્યો અને ધીમે ધીમે ગ્રુપ મોટું થતું ગયું. જે પહેલા સુરત પુરતુ સીમિત હતું તે આજે સમગ્ર રાજ્યમાં હવે આગળ વધી રહ્યું છે.

લોકો જ્યારે પોતાની મહેનતથી પોતાનું ઘર તૈયાર કરતા હોય છે ત્યારે તે પોતાના મકાનને વિલા અથવા બંગ્લોઝનું નામ આપતા હોય છે. આ જ રીતે પરેશભાઈ પટેલે જે ચકલીઓનું ઘર તૈયાર કર્યું છે. તેને ‘સ્પેરોવિલા’ નામ આપવામાં આવ્યું છે. છેલ્લા 6 વર્ષના સમયમાં એક લાખ કરતા વધારે સ્પેરોવિલા લોકોને વિતરણ કરવામાં આવ્યા છે. ઉપરાંત અલગ અલગ લોકેશન પર તેને લગાવવામાં આવ્યા છે. આજે આ સ્પેરોવિલા અનેક ચકલીઓ માટે આશિર્વાદ રૂપ સાબિત થયા છે.

શરૂઆતના સમયમાં અલગ અલગ વસ્તુઓનું કટીંગ કરીને હેન્ડમેડ સ્પેરો વિલા તૈયાર કરવામાં આવતા હતા, પરંતુ હવે અત્યાધુનિક પદ્ધતિથી મશીનમાં કટીંગ કરાયેલી પ્લાયથી આ સ્પેરોવિલા તૈયાર કરવામાં આવે છે. પ્રતિદિન 150 થી 200 જેટલા સ્પેરોવિલા પરેશભાઈ પટેલ અને તેમના ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવે છે. એક સપેરો વિલા તૈયાર કરવાનો ચાર્જ 50 રૂપિયા થાય છે, પરંતુ સેવાકીય ભાવનાના કારણે ચકલીઓના જતન માટે લોકોને વિના મૂલ્ય આપવામાં આવે છે. એક સ્પિરોવિલાની કિંમત 50 ગણવામાં આવે તો પરેશભાઈ પટેલ દ્વારા અત્યાર સુધીમાં 50 લાખ રૂપિયાના ચકલી ઘર બનાવીને લોકોને વિતરણ કરવામાં આવ્યા છે. આ ચકલી ઘરને અલગ અલગ જગ્યા ઉપર લગાવવામાં આવ્યા છે.

પક્ષી બચાવો અભિયાનને આગળ વધારતા પરેશભાઈ સેવાકીય ભાવના સાથે એક જ નિર્ધાર કર્યો છે કે આજીવન તેઓ આ જ પ્રકારે વિનામૂલ્ય સ્પેરોવેલા લોકોને વિતરણ કરતા રહેશે. જેથી વધુમાં વધુ ચકલીઓને આશ્રય આપી શકાય અને તેને લુપ્ત થતી બચાવી શકાય. હાલ પરેશભાઈ દ્વારા હંસઆર્ટના નામથી એક ગ્રુપ ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં અલગ અલગ જગ્યાઓ પર હંસ આર્ટ ગ્રુપ સાથે જોડાયેલા લોકો સ્પેરો વીલા લગાવવા માટે જાય છે. સૌ પ્રથમ સોસાયટીનો સર્વે કરવામાં આવે છે. ત્યારબાદ સોસાયટીઓમાં જે લોકો પોતાના ઘરે ચકલીના માળા લગાવવા ઈચ્છતા હોય તેમની મંજૂરી લઈ આ માળા દરેક સોસાયટીએ, સોસાયટીએ લગાવવામાં આવે છે. જે જગ્યા પર આ સ્પેરો વિલા લગાવવામાં આવે છે તેના ફોટો લોકજાગૃતિ અભિયાનના ભાગરૂપે સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવે છે. જેથી વધુમાં વધુ લોકો આ ગ્રુપ સાથે જોડાય અને વધારેમાં વધારે ચકલીઓને બચાવી શકાય.

સ્પેરો વીલા જેમના ઘરે લગાવવામાં આવે છે તેમને ત્યાં ત્યારે ચકલી સૌપ્રથમ માળો બનાવવાની શરૂઆત કરે છે ત્યારે લોકો આ સ્પેરો વિલાના ચકલી સાથેના ફોટો સંસ્થાના ગ્રુપમાં મોકલતા હોય છે. ત્યારબાદ જ્યારે આ સ્પેરો વિલામાં બચ્ચાંનો જન્મ થતો હોય છે ત્યારે પણ તે લોકો ગ્રૂપમાં ફોટો મુકતા હોય છે. પરેશભાઈ પટેલ દ્વારા જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમાં લોકો પણ તેમને ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે.