July 2, 2024

હારીજના બોતરવાડામાં વાવાઝોડા સાથે વરસાદ, ગાય-ભેંસ પર વૃક્ષ પડતા મોત

પાટણઃ ચોમાસાનો માહોલ ગુજરાતમાં જામી ગયો છે. ત્યારે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના અનેક વિસ્તારમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી નાંખી છે. ત્યારે હારીજ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે.

હારીજ પંથકમાં મોડી રાતે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મિનિ વાવાઝોડા જેવો માહોલ પણ સર્જાયો હતો. બોતરવાડા ગામે ભારે પવન સાથે વરસેલા વરસાદે તારાજી સર્જી હતી. ગામમાં અનેક મકાનોનાં પતરાં ઉડી ગયા હતા. તો વળી ક્યાંક દીવાલ ધરાશાયી થઈ હતી, તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતના 78 તાલુકામાં વરસાદ, સૌથી વધુ તાપીના કુકરમુંડામાં

વાવાઝોડા સાથે વરસાદ પડવાને કારણે હેવી વીજવાયર તૂટી પડ્યા હતા. તેને કારણે ગામમાં અંધારપટ છવાઈ ગયો હતો. તો બીજી તરફ, ખેડૂતના વાડામાં બાંધેલી ભેંસ અને ગાય પર મહાકાય વૃક્ષ પડતા બંનેના મોત નીપજ્યા હતા.

ગુજરાતમાં 78 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં મેઘરાજાએ મહેર કરી છે. વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. ગુજરાતીઓને ભારે ઉકળાટમાંથી રાહત મળી છે. સૌથી તાપીના કુંકરમુંડામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારબાદ તાપીના વ્યારામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. વલસાડ, છોટા ઉદેપુરના બોડેલીમાં, તાપીના નિઝરમાં, નર્મદાના સાગબારામાં, વલસાડના વાપીમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.

છોટાઉદેપુરના નસવાડી, પંચમહાલના હાલોલમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વલસાડના ઉમરગામ, ભરૂચના વાલીયા, સુરત શહેર, સુરતના મહુવા, માંગરોળમાં અને વલસાડના કપરાડામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.