પાટણમાં લો કોલેજમાં પ્રવેશ પ્રકિયા ચાલુ કરવા ABVPની રેલી, 15થી વધુ કાર્યકર્તાની અટકાયત
ભાવેશ ભોજક, પાટણઃ સમગ્ર રાજ્યમાં સરકારી તથા અર્ધસરકારી લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક ધોરણે ચાલુ કરવાના મુદ્દે આજે પાટણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારબાદ માર્ગ ચક્કાજામ પોલીસ દ્વારા 15થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
સમગ્ર રાજ્યમાં સરકારી તથા અર્ધસરકારી લો કોલેજોમાં હજુ સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી.જેના કારણે ગ્રેજ્યુએશન પૂરું કરીને એલએલબી કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને સરકાર દ્વારા ક્યારે પ્રવેશ આપવામાં આવશે, તેની કાગડોળે રાહ જોઈને બેસી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં આજે પાટણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચારો પોકારી દેખાવ કર્યા હતા.
જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિતમાં સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે. જો વિદ્યાર્થીઓની માગ સત્વરે સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ મુખ્ય રોડ પર બેસી જઈ ચક્કાજામ કરતાં રોડની બંને બાજુ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે પોલીસે 15થી વધુ કાર્યકરોની અટકાયત કરી માર્ગ ખુલ્લો કર્યો હતો.