November 23, 2024

લોકોને ટ્રાફિક જાગૃતિનો પાઠ શીખવતા Piyush Dhananiએ યુવકને ઉડાવી દીધો

પિયુષ ધાનાણીએ બસને રોંગ સાઈડમાં જતી રોકવા જતા બાઈક સવાર સાથે અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું.

સુરત: સુરત શહેરમાં અવારનવાર ટ્રાફિક જાગૃતિ શીખવતાં અને શહેરમાં રોંગસાઇડમાં વાહન હંકારતા વાહનચાલકો સાથે ટ્રાફિક જાગૃતિને લઇ તકરાર કરતા પિયુષ ધાનાણીએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. હાલમાં પિયુષ ધાનાણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેમની સાથે એક ટોળું ઘર્ષણ કરી રહ્યું છે અને પિયુષ ધાનાણી તેઓને સમજાવી રહ્યા છે. જેમાં તેઓ પોતે અકસ્માત કર્યો હોવાનું કબુલી રહ્યા છે.

પિયુષ ધાનાણીએ રોંગ સાઈડમાં વાહન હંકારી બાઈક સવારને અડફેટે લીધો હોવાની ઘટના સામે આવી છે જેમાં યુવક લોહીલુહાણ થયો હતો. આ ઘટનામાં બાઇકસવાર યુવકને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જે બાદ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને પિયુષ ધાનાણીને રસ્તા વચ્ચે જ અટકાવી દીધા હતા. વીડિયોમાં એવું પણ સ્પષ્ટ સંભળાઇ રહ્યું છે કે સુરતના સરદાર ચોક વિસ્તાર પાસે આવેલા બ્રિજ પાસે એક બસ રોંગસાઇડમાં જઇ રહી હતી, જેનો પીછો કરતા પિયુષ ધાનાણીએ યુવકને હડફેટે લીધો હતો.

પિયુષ ધાનાણી વીડિયોમાં અકસ્માત કર્યાની કબુલાત કરતા જણાવ્યું કે, તેમની ભૂલના કારણે આ અકસ્માત સર્જાયો છે. જોકે લોકટાળા સામે ધાનાણીએ પોતાનો પગ પણ ભાંગી ગયો હોવાનું જણાવ્યું હતું. સાથે જ ધાનાણીએ ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખર્ચો અને યુવક જેટલા દિવસ ઘરે રહેશે ત્યા સુધીનો નોકરીનો પગાર પણ આપવા જણાવ્યું હતું. પિયુષ ધાનાણી બસને રોંગ સાઈડમાં જતી રોકવા બાઈક સવાર સાથે અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું.