November 24, 2024

ભવ્ય મહોત્સવ: પીએમ મોદીએ કર્યું અબુધાબીમાં BAPS મંદિરનું ઉદ્ઘાટન

PM Modi UAE Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) બે દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત (UAE) ની રાજધાની અબુ ધાબીમાં છે. PM મોદીએ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કર્યું. અબુધાબીમાં પથ્થરોથી બનેલું આ પહેલું હિન્દુ મંદિર છે. આ દરમિયાન પીએમ મોદી 42 દેશોના પ્રતિનિધિઓને પણ સંબોધિત કરશે. નોંધનીય છે કે આ પહેલા મંગળવારે તેમણે અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા.

વડાપ્રધાન બન્યા બાદ તેમની યુએઈની આ સાતમી મુલાકાત છે. અગાઉ પીએમ મોદીએ 2015માં પહેલીવાર UAEની મુલાકાત લીધી હતી. છેલ્લા 34 વર્ષમાં પહેલી વાર ભારતીય પીએમ યુએઈની મુલાકાતે ગયા હતા. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરની બહાર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે વિશેષ પૂજામાં ભાગ લીધો હતો. પીએમ નરેન્દ્ર મોદી હિન્દુ મંદિરમાં આયોજિત વૈશ્વિક આરતીમાં ભાગ લઈ રહ્યા છે. આ વૈશ્વિક આરતી સમગ્ર વિશ્વમાં BAPSના 1500 મંદિરોમાં એક સાથે કરવામાં આવી રહી છે. મંદિરમાં આરતી બાદ પીએમ મોદીએ અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરમાં BAPS આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજના ચરણ સ્પર્શ કર્યા હતા. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આ ભવ્ય હિન્દુ મંદિર માટે રાજસ્થાનથી ગુલાબી સેંડસ્ટોન અબુધાબી લાવવામાં આવ્યા હતા.

સંતોએ પીએમ મોદીને BAPS મંદિરની વિશેષતા જણાવી
સંત બોચાસણવાસીઓએ PM મોદીને શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરની વિશેષતા જણાવી રહ્યા છે. મંદિરમાં સાત શિખરો બનાવવામાં આવ્યા છે જે સંયુક્ત આરબ અમીરાતના સાત અમીરાતનું પ્રતિનિધિત્વ કરે છે.

મંદિરની બંને તરફ ગંગા અને યમુનાના પવિત્ર જળ
મંદિરની બંને બાજુએ ગંગા અને યમુનાનું પવિત્ર જળ વહી રહ્યું છે, ગંગા અને યમુનાનું જળ ભારતમાંથી મોટા મોટા કન્ટેનરો દ્વારા અબુધાબી લાવવામાં આવ્યું છે.

પીએમ મોદીએ ‘વોલ ફોર હાર્મની’ને નિહાળ્યું
ધ વોલ ઓફ હાર્મની યુએઈમાં સૌથી મોટી 3-ડી પ્રિન્ટેડ વોલ છે. તે 45 મીટર લાંબી અને 4.5 મીટર ઊંચી છે. આ વોલ પર વિશ્વના 26 સ્મારકો બતાવવામાં આવ્યા છે. જેમાં ફ્રાન્સના એફિલ ટાવર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓફ ઈન્ડિયા અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ઓફ અમેરિકાનો સમાવેશ થાય છે. જેમાં સમગ્ર વિશ્વ એક છે તેવો સંદેશ આપવામાં આવ્યો છે.

હિન્દુ મંદિરના ઉદ્ઘાટન માટે સેંકડો ભારતીયો અબુ ધાબી પહોંચ્યા
અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરના લોકાર્પણને લઈને ભારતીયોમાં ઉત્સાહ છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સેંકડો ભારતીયો અબુ ધાબી પહોંચી ગયા છે. રાજસ્થાનના રહેવાસી ઘનસારામ ચૌધરીએ જણાવ્યું કે અમે ખાસ કરીને મંદિરના ઉદ્ઘાટન માટે અહીં આવ્યા છીએ. અમે અહીંની સરકાર અને પીએમ મોદીનો આભાર વ્યક્ત કરીએ છીએ. હું બહુ ખુશ છું.

અબુ ધાબીનું હિન્દુ મંદિર 27 એકર જમીનમાં બનેલું
ઓગસ્ટ 2015માં UAE સરકારે અબુ ધાબીમાં મંદિર બનાવવા માટે 123.5 એકર જમીન ભેટમાં આપી હતી. ત્યારબાદ 2019માં મંદિર માટે વધુ 13.5 એકર જમીન મંદિર બનાવવા માટે આપી હતી. અબુ ધાબીનું હિન્દુ મંદિર પરિસર કુલ 27 એકર જમીનમાં બનેલું છે.

અક્ષય કુમાર અબુ ધાબી પહોંચ્યા
અભિનેતા અક્ષય કુમાર BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા માટે અબુ ધાબી પહોંચી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમયમાં આ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરશે. મંદિરના લોકાર્પણને લઈને દેશ અને દુનિયાભરના ભારતીયોમાં ઉત્સાહ છે.

BAPS હિન્દુ મંદિર 700 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું
અબુ ધાબીનું BAPS સ્વામિનારાયણ મંદિર 108 ફૂટ ઊંચું, 262 ફૂટ લાંબુ અને 180 ફૂટ પહોળું છે. તેને બનાવવામાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. મંદિરના નિર્માણમાં માત્ર ચૂનાના પથ્થર અને આરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર મંદિરના નિર્માણ માટે 700 કન્ટેનરમાં 20,000 ટનથી વધુ પત્થરો અને માર્બલ અબુધાબી લાવવામાં આવ્યા હતા.