PM Modi પહેલા કરશે ભગવતી અમ્માન મંદિરમાં દર્શન, ત્યારબાદ વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન…

Pm Modi Visit Kanyakumari: લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કાનો પ્રચાર પૂરો થયા બાદ PM નરેન્દ્ર મોદી તેમની આધ્યાત્મિક યાત્રાના ભાગરૂપે કન્યાકુમારીની મુલાકાત લેશે. અહીં પીએમ મોદી વિવેકાનંદ રોક મેમોરિયલ પહોંચીને ધ્યાન કરશે. સ્વામી વિવેકાનંદે એકવાર કન્યાકુમારીમાં સ્થિત આ શિલા પર ધ્યાન કર્યું હતું. હવે પીએમ મોદી પણ અહીં ધ્યાન કરશે PM નરેન્દ્ર મોદી ગુરુવારે (30 મે) સાંજે 5.15 વાગ્યે કન્યાકુમારી પહોંચશે. તેઓ પહેલા ભગવતી અમ્માન મંદિરમાં દર્શન કરશે અને પૂજા કરશે. આ પછી તેઓ શનિવારે બપોર સુધી ત્યાં જ રહેશે. આ સમય દરમિયાન તેઓ વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરશે. મળતી માહિતી મુજબ, PM મોદી શનિવારે (1 જૂન) બપોરે 3 વાગ્યે નજીકના ખડક પર બનેલી મહાન કવિ તિરુવલ્લુવરની પ્રતિમાની મુલાકાત લેશે અને તેને પુષ્પમાળા કરશે.

નોંધનીય છે કે, છેલ્લા તબક્કામાં કુલ 57 સીટો પર મતદાન થવાનું છે. ચૂંટણી પ્રચારનો અંતિમ તબક્કો 30 મેના રોજ સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ પીએમ મોદી આરામ માટે તમિલનાડુમાં કન્યાકુમારી જશે અને કન્યાકુમારીમાં સમુદ્રની વચ્ચેથી નીકળતા વિશાળ ખડક પર બેસીને ધ્યાન કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 30 મેની સાંજથી 1 જૂન સુધી પીએમ મોદી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરશે. પીએમ મોદીએ 2019માં કેદારનાથની રુદ્ર ગુફામાં ધ્યાન કર્યું હતું. જ્યારે 2014માં પીએમ મોદીએ શિવાજીના પ્રતાપગઢની મુલાકાત લીધી હતી, જ્યાં શિવાજીએ પોતાની તલવારથી અફઝલ ખાનનું પેટ ફાડી નાખ્યું હતું.

વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 45 કલાકના રોકાણ માટે ભારે સુરક્ષા સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુરુવારથી શનિવાર સુધી બીચ પ્રવાસીઓ માટે બંધ રહેશે અને ખાનગી બોટને પણ ચાલવા દેવામાં આવશે નહીં. દેશના દક્ષિણ છેડે આવેલા આ જિલ્લામાં 2 હજાર પોલીસ કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવશે અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કડક તકેદારી રાખશે.

આ પણ વાંચો: DRDOએ એન્ટિ-રેડિયેશન મિસાઈલ રુદ્રમ-2નું સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, 1 જૂને રવાના થતા પહેલા મોદી તમિલ કવિ તિરુવલ્લુવરની 133 ફૂટ ઊંચી પ્રતિમાની મુલાકાત લેશે. આ સંકુલ રોક મેમોરિયલની બાજુમાં આવેલું છે. પીએમ મોદીની મુલાકાત પહેલા સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે, તિરુનેલવેલી રેન્જના ડીઆઈજી પ્રવેશ કુમારે પોલીસ અધિક્ષક ઇ સુંદરવથનમ સાથે રોક મેમોરિયલ, બોટ જેટી, હેલીપેડ અને સ્ટેટ ગેસ્ટ હાઉસ ખાતે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. સ્થળ પર વડાપ્રધાનની મુખ્ય સુરક્ષા ટીમના આગમન સાથે હેલીપેડ પર હેલિકોપ્ટર લેન્ડિંગની ટ્રાયલ પણ હાથ ધરવામાં આવી હતી.

બીજેપી અધિકારીઓએ કહ્યું કે પીએમ મોદીનો તેમના આધ્યાત્મિક રોકાણ માટે કન્યાકુમારીને પસંદ કરવાનો નિર્ણય દેશ માટે વિવેકાનંદના વિઝનને સાકાર કરવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન જે શિલા પર ધ્યાન કરશે તેનો વિવેકાનંદના જીવન પર ઘણો પ્રભાવ હતો. તેમણે કહ્યું કે વિવેકાનંદ દેશભરમાં પ્રવાસ કરીને, ત્રણ દિવસ સુધી ધ્યાન કર્યા પછી અને વિકસિત ભારતનું સ્વપ્ન જોયા પછી અહીં પહોંચ્યા હતા.