મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઈને મોદીનો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું
સુરેન્દ્રનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરના ત્રિમંદિરના મેદાનમાં જનમેદનીને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત તેમણે મલ્લિકાર્જુન ખડગેએ આપેલા નિવેદનને લઈને વળતો પ્રહાર કર્યો હતો અને જવાબી નિવેદન આપ્યું હતું.
શિવ અને રામને લડાવવાનો પ્રયાસ કરે છે તેનો સ્વિકાર કરી શકાય?
તેમના એક શાહજાદાએ કહ્યું હતું કે, ‘હું આ દેશમાં શક્તિનો વિનાશ કરીને રહીશ. આ શક્તિ સ્વરૂપ મારી માતા બહેનો બેઠી છે. અમે શક્તિના ઉપાસક છીએ. શાહજાદાએ કહી દીધું હતુ કે, હું શક્તિનો વિનાશ કરીશ અને શક્તિના ઉપાસકો ક્યારેય તેનો સ્વીકાર કરશે? જે શિવ અને રામને લડાવવાનો પ્રયાસ કરે છે તેનો સ્વિકાર કરી શકાય?’
તેઓ રામ ભક્તો અને શિવ ભક્તોને લડાવવા માગે છે
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભગવાન રામ અને ભગવાન શિવ અંગે ખતરનાક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે, ‘હિન્દુ સમાજના ભાગલા પાડવા માટે ખેલ ખેલવામાં આવ્યો છે. તે રામભક્તો અને શિવભક્તોમાં ભેદ રાખે છે, ભાગલા પડાવવા માગે છે અને તમને ઝગડાવવા માગે છે. હજારો વર્ષોથી ચાલતી આપણી મહાન પરંપરા રામ હોય, કૃષ્ણ હોય કે શિવ હોય… અરે મુગલ પણ તોડી નહોતા શક્યા. હવે કોંગ્રેસ તોડવા માગે છે? તુષ્ટિકરણ માટે કોંગ્રેસ હજુ કેટલું નીચે જશે. કોંગ્રેસીઓ સાંભળી લે કે રામને ખતમ કરવા માટે નીકળ્યા હતા તેનું શું થયું હતું.’
મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યુ હતુ?
2024મી લોકસભા ચૂંટણીને લઈને એક સભા દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ હતુ કે, આ વખતે ભગવાન શિવ અને રામ વચ્ચે યુદ્ધ થવાનું છે. તેમણે પોતાને ભગવાન શિવના ભક્ત ગણાવ્યા હતા અને કહ્યુ કે શિવમાં સૌથી વધુ શક્તિ છે. શિવની સામે કોઈપણ જીતી નથી શકતું.