November 25, 2024

PM મોદીએ નેતન્યાહૂ સાથે વાત કરી, યુદ્ધવિરામ માટે માનશે ઇઝરાયલ?

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલ-હમાસ યુદ્ધને રોકવા માટે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી હતી. તેમણે તમામ બંધકોને તાત્કાલિક મુક્ત કરવાની અને ગાઝામાં ફસાયેલા લોકોને મદદ પહોંચાડવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. આના થોડા સમય બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, ‘અમે યુદ્ધવિરામની ખૂબ નજીક છીએ. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.’

નેતન્યાહુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. આ દરમિયાન તેમણે સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘અમે પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી. પરિસ્થિતિમાં વધુ સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તમામ બંધકોને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ. અમે યુદ્ધવિરામ અને માનવતાવાદી સહાય ચાલુ રાખવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. બંને નેતાઓ વચ્ચે વાતચીત એવા સમયે થઈ છે. જ્યારે ગાઝામાં યુદ્ધ ખતમ કરવા માટે શાંતિ મંત્રણા ચાલી રહી છે.’

આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં કેમ સતત ઘટી રહી છે હિંદુઓની વસતિ? શું છે રહસ્ય 

અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન તરફથી કોણ કરી રહ્યું છે મધ્યસ્થી?
એવું કહેવામાં આવ્યું હતું કે, યુદ્ધ રોકવા અને બંધકોને મુક્ત કરવા અંગેનો અંતિમ નિર્ણય બંને દેશોના મધ્યસ્થીઓ લઈ શકે છે. તેના પરિણામો પણ મોડી સાંજે બહાર આવ્યા હતા. મધ્યસ્થી કરી રહેલા અમેરિકા, ઈજીપ્ત અને કતારે કહ્યું કે, હવે આવતા અઠવાડિયે કૈરોમાં બેઠક થશે. જેમાં યુદ્ધવિરામ કરારને મંજૂરી આપવામાં આવશે. ગુરુવારથી યુદ્ધવિરામનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ખાસ વાત એ છે કે, ઈઝરાયલ અને હમાસ બંને આ વાતચીતને સમર્થન આપી રહ્યા છે. અમેરિકા પોતે તેનું નેતૃત્વ કરી રહ્યું છે. હમાસ પણ આ વાતચીત માટે સૈદ્ધાંતિક રીતે સંમત છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 40 હજારથી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.

બાઇડને શું કહ્યું?
શાંતિ મંત્રણા સમાપ્ત થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું, ‘હું નકારાત્મક ટિપ્પણી કરવા નથી માગતો. પરંતુ ત્રણ દિવસ પહેલાની સરખામણીમાં યુદ્ધવિરામ ખૂબ નજીક છે. દસ મહિના સુધી ચાલેલા યુદ્ધમાં આ પહેલીવાર નથી કે જ્યારે બાઇડન કરારની આશા વ્યક્ત કરી હોય. અમારી પાસે કંઈક હોઈ શકે છે, પરંતુ અમે હજી ત્યાં નથી.’