વિશ્વની નજર નરેન્દ્ર મોદીના યુક્રેન પ્રવાસ પર, 7 કલાક રોકાશે; મોટી રાજકીય ઘટનાની સંભાવના
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે પોલેન્ડથી યુદ્ધગ્રસ્ત યુક્રેન પહોંચશે. પીએમ યુક્રેન પહોંચતાની સાથે જ આ મુલાકાત ખાસ બની જશે. આ કારણ છે કે, પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓમાં પહેલા હશે, જેમણે રશિયા અને યુક્રેન બંનેની મુલાકાત લીધી છે.
વિશ્વના લોકપ્રિય નેતાઓમાં સામેલ અન્ય નેતાઓ આ કરી શક્યા નથી. લોકપ્રિયતાની યાદીમાં મોદીથી દૂર રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઋષિ સુનક જેવા નેતાઓએ યુક્રેનની મુલાકાત લીધી હતી, પરંતુ તેઓ રશિયા જતા શરમાયા. પીએમ મોદીની યુક્રેનની મુલાકાત પહેલાં દુનિયાભરના ઘણાં નેતાઓ યુક્રેનની મુલાકાત લઈ ચૂક્યાં છે. પરંતુ, વિશ્વમાં માત્ર થોડા જ નેતાઓ છે, જેમણે ફેબ્રુઆરી 2022માં યુદ્ધની શરૂઆત પછી રશિયા અને યુક્રેન બંનેની મુલાકાત લીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા ચાર દેશોના વડા ત્યાં જઈ ચૂક્યાં છે, આ નેતાઓએ રશિયા અને યુક્રેન બંનેની મુલાકાત લીધી હતી, પરંતુ સમગ્ર વિશ્વની નજર પીએમ મોદીની મુલાકાત પર ટકેલી છે. વડાપ્રધાન યુક્રેનની રાજધાની કિવમાં 7 કલાક માટે હાજર રહેશે, પરંતુ આ 7 કલાક વિશ્વ માટે મહત્વપૂર્ણ રાજદ્વારી ઘટના બની શકે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનથી માંડીને ઘણાં મોટા પશ્ચિમી દેશોના નેતાઓ રશિયા તરફ વળ્યા નથી. ચાલો જોઈએ કે, એવા કયા વૈશ્વિક નેતાઓ છે જેમણે રશિયા અને યુક્રેનની મુલાકાત લીધી છે અને રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાની અપીલ પણ કરી છે-
- ઑસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમર – નેહમર પ્રથમ વિશ્વ નેતા હતા, જે યુદ્ધ દરમિયાન રશિયા પહોંચ્યા હતા. રશિયા જવાના બે દિવસ પહેલાં જ કિવ પહોંચી ગયા હતા. નેહમરે 11 એપ્રિલ 2022ના રોજ મોસ્કોની મુલાકાત લીધી હતી અને તેના બે દિવસ પહેલાં એટલે કે 9 એપ્રિલે યુક્રેનની મુલાકાત લીધી હતી.
- જોકો વિડોડો – ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો વર્ષ 2022માં 29 જૂને મોસ્કો પહોંચ્યા હતા, જ્યારે તેના એક દિવસ પહેલા 28 જૂને વિડોડો યુક્રેન ગયા હતા.
- તૈયપ એર્દોગન – તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પણ વર્ષ 2022માં યુક્રેનિયન શહેર લવીવની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેઓ વર્કિંગ વિઝિટ તરીકે રશિયન શહેર સોચી પહોંચ્યા હતા. એર્દોગન બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ માટે શાંતિ કરારની સતત હિમાયત અને પહેલ પણ કરી રહ્યા છે.
- વિક્ટર ઓર્બન – હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓર્બન આ વર્ષે જુલાઈ 2024માં યુક્રેન પહોંચ્યા હતા. તે પછી રશિયા ગયા હતા.
વાટાઘાટોથી ઉકેલ લાવવાની અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરી રહ્યા છે. તેણે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને એક નહીં પરંતુ બે વખત યુદ્ધ ખતમ કરવાનો સંદેશ આપ્યો છે. ભારતનું શરૂઆતથી જ વલણ રહ્યું છે કે, વાતચીત અને કૂટનીતિથી જ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા ભારતની આ બાજુની જોરદાર હિમાયત કરી છે.