PM નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે
દેવભૂમિ દ્વારકાઃ દ્વારકાધીશ મંદિરમાં દેશ-વિદેશમાંથી દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવતા હોય છે. ઓખાથી બેટ દ્વારકા જવા માટે ફેરીનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ હવે થોડા દિવસ બાદ એટલે કે આગામી 25 ફેબ્રુઆરીએ બેટ દ્વારકા ટાપુને ગુજરાતની મુખ્ય ભૂમિ ઓખાથી જોડતા સિગ્નેચર બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે. કેબલથી બનેલો આ બ્રિજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હોવાનું કહેવાય છે.
25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે
સિગ્નેચર બ્રિજનું નિર્માણ ઓક્ટોબર 2017માં શરૂ થયું હતું. આ બ્રિજનું 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજના નિર્માણમાં લગભગ 978 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સમગ્ર બ્રિજ 4 લેનનો છે, જેની કુલ લંબાઈ અંદાજે 2.32 કિમી અને પહોળાઈ 27.20 મીટર છે. આ બ્રિજની ખાસિયત એ છે કે, લોકો તેના પર ચાલી પણ શકશે. બ્રિજની બંને તરફ 2.50 મીટર પહોળી ફૂટપાથ પણ બનાવવામાં આવી છે. બેટ દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા માટે મુખ્યત્વે ઓખાથી આવતા ભક્તોને ધ્યાનમાં રાખીને બ્રિજ પર ફૂટપાથ બનાવવામાં આવી છે. સિગ્નેચર બ્રિજ ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ છે, જેની લંબાઈ લગભગ 900 મીટર છે. આ બ્રિજની સૌથી ખાસ વાત એ છે કે, બ્રિજનો લગભગ 900 મીટર ભાગ કેબલની મદદથી લટકતો હશે, પરંતુ તે હવામાં ઝૂલશે નહીં. બ્રિજ પર કુલ 152 કેબલ લગાવવામાં આવ્યા છે, જેનું વજન 1500 ટન છે.
રાજકોટ AIIMS હોસ્પિટલની IPDનું ઉદ્ઘાટન કરશે
25 ફેબ્રુઆરીએ દ્વારકા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ જશે, જ્યાં તેઓ AIIMS હોસ્પિટલની IPDનું ઉદ્ઘાટન કરશે. સાથે જ અટલ સરોવર – સ્માર્ટ સીટી અને ઝનાના હોસ્પિટલનું પણ વડાપ્રધાન મોદી ઉદ્ધાટન કરશે. રાજકોટના હાર્દ સમાન રેસકોર્ષ ગ્રાઉન્ડ પર જાહેરસભા પણ યોજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર અને શહેર ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.